17 September, 2026 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુબિન નૌટિયાલ
નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ ફિલ્મે તેની સાથે જોડાયેલા લોકોને પણ સારી એવી લોકપ્રિયતા અપાવી છે. ફિલ્મમાં હનુમાન ભજન ‘મૈંને તેરે હી ભરોસે હનુમાન’ ગાઈને રાતોરાત ખ્યાતિ મેળવનારા જોઈ ન શકતા ગાયક સુનીલ લોધીનું જીવન પણ ફિલ્મ બાદ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
બુંદેલખંડના ગાયક સુનીલ લોધીનું વર્ષો જૂનું સપનું જાણીતા ગાયક જુબિન નૌટિયાલને મળવાનું અને તેની સાથે સ્ટેજ પર ભજન ગાવાનું હતું. ફિલ્મને મળેલી અપાર સફળતા બાદ સુનીલે અનેક ઇન્ટરવ્યુમાં પોતાની આ દિલની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હવે સુનીલનું અશક્ય લાગતું આ સપનું સાકાર થઈ ગયું છે.
હાલમાં અંધેરીમાં એક લાઇવ ઇવેન્ટમાં સુનીલ લોધી પોતાનું ગીત રજૂ કરી રહ્યો હતો ત્યારે જુબિન નૌટિયાલ કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના સરપ્રાઇઝ આપીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. જુબિન સ્ટેજ પર આવતાં જ લોકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. જુબિને પછી સુનીલને ભેટીને તેના હાલચાલ પૂછ્યા હતા. આ ભાવુક ક્ષણ સુનીલ માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી.
મુલાકાત બાદ જુબિન અને સુનીલે સાથે મળીને ‘પતા નહીં કિસ મોડ પે આકર નારાયણ મિલ જાએંગે’ ભજન ગાયું હતું. તેમના આ પર્ફોર્મન્સે ત્યાં હાજર તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જુબિને કાર્યક્રમ પૂર્ણ થયા પછી સુનીલને પર્સનલ કૉલ કરીને જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં જ સુનીલ સાથે એક ઑફિશ્યલ ગીત રેકૉર્ડ કરશે.