20 April, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર એનટીઆર
હાલમાં જુનિયર એનટીઆરની એક તસવીર વાઇરલ થઈ રહી છે. દુબઈની હોટેલમાં લેવાયેલી આ તસવીરમાં તે હોટેલના કર્મચારીઓ સાથે પોઝ આપતો દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં એનટીઆરે પહેરેલું ETRO શર્ટ એની ૮૫,૦૦૦ રૂપિયા જેટલી કિંમતને કારણે ચર્ચામાં છે, પણ એનાથી વધારે ચર્ચા થઈ રહી છે જુનિયર એનટીઆરના બદલાયેલા લુકની. આ તસવીરમાં જુનિયર એનટીઆરનું વજન સારુંએવું ઓછું થઈ ગયેલું દેખાય છે જેના કારણે તે ઓઝેમ્પિક લેતો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓઝેમ્પિક એક પ્રકારની વજન ઘટાડવાની દવા છે. આ દવા ખાસ કરીને ડાયાબિટીઝના દરદીઓ માટે બનાવવામાં આવી હતી, પણ હવે એનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થવા લાગ્યો છે. જોકે જુનિયર એનટીઆરની નજીકની વ્યક્તિએ માહિતી આપી છે કે તે સ્વસ્થ છે અને હાલ ખાસ ડાયટ-પ્લાનનું પાલન કરી રહ્યો છે જેના કારણે તેનું વજન ઘટી ગયું છે.
હૃતિક સાથેની ફિલ્મ માટે પાતળો થયો?
જુનિયર એનટીઆર ‘વૉર 2’માં હૃતિક રોશન સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે ફિટનેસ જાળવવી બહુ જરૂરી હતી અને જુનિયર એનટીઆર ઇચ્છે છે કે આ ફિલ્મમાં હૃતિક રોશન સામે તેનો લુક તેમ જ તેને પર્ફોર્મન્સ નબળો ન લાગે. આ કારણોસર જ જુનિયર એનટીઆર પોતાની ફિટનેસ જાળવવા માટે સ્પેશ્યલ ડાયટ-પ્લાન ફૉલો કરી રહ્યો છે. જુનિયર એનટીઆર છેલ્લે ‘દેવરા : પાર્ટ 1’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને ખાસ સફળતા નહોતી મળી.