20 May, 2025 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ છે એ ઇન્ટિમેટ દૃશ્યો
કમલ હાસન તેમની આગામી ફિલ્મ ‘ઠગ લાઇફ’ના કારણે ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું હતું અને ટ્રેલરમાં ૭૦ વર્ષના કમલ હાસનનાં તેમનાથી ત્રીસ વર્ષ નાની એવી ૪૦ વર્ષની ત્રિષા ક્રિષ્નન તેમ જ એટલી જ વયની અભિરામી સાથેનાં ઇન્ટિમેટ દૃશ્યો ઘણા લોકોને પસંદ નથી પડ્યાં. સોશ્યલ મીડિયા પર લોકો આ દૃશ્યો શૅર કરીને નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે. કમલે આ ફિલ્મમાં અભિરામી સાથે કિસિંગ સીન પણ કર્યો છે.
લોકો કમલ હાસન અને ત્રિશા વચ્ચેના ઉંમરના અંતરનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે ત્રિશા તો કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનથી માત્ર ૩ વર્ષ મોટી છે. ઘણા લોકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે આવાં દૃશ્યો ફિલ્મની વાર્તામાં જરૂરી છે કે એને જબરદસ્તીથી ઉમેરવામાં આવ્યાં છે? એક યુઝરે મણિ રત્નમ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે તેઓ પોતાની શાખને બરબાદ કરી રહ્યા છે.
‘ઠગ લાઇફ’નું ડિરેક્શન મણિ રત્નમે કર્યું છે. આ ફિલ્મ એક ગૅન્ગસ્ટરની સફર પર આધારિત છે જે અપરાધની દુનિયામાં એક યુવાન છોકરાને માર્ગદર્શન આપે છે અને આગળ જતાં તેમની વચ્ચે ટકરાવ થાય છે. આ ફિલ્મ પાંચમી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.