Kamini Kaushal Death: ઍક્ટ્રેસ કામિની કૌશલનું ૯૮ વર્ષની વયે નિધન

14 November, 2025 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kamini Kaushal Death: કામિની કૌશલે આઝાદી પહેલાં વર્ષ 1946માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ પોતાની અભિનયની શરૂઆત ફિલ્મ `નીચા નગર`થી કરી હતી

કામિની કૌશલ

બોલિવૂડની પીઢ અભિનેત્રી કામિની કૌશલનું ૯૮ વર્ષની વયે અવસાન (Kamini Kaushal Death) થયું છે. અભિનેત્રીના નિધન વિષે વિક્કી લાલવાનીને જણાવ્યું હતું કે, "કામિની કૌશલનો પરિવાર અત્યંત લો પ્રોફાઇલ છે અને તેઓને પ્રાઈવસી પસંદ છે."

જાણીએ અભિનેત્રીની જીવન ઝરમર

ઍક્ટ્રેસ કામિની કૌશલ (Kamini Kaushal Death) વિષે વાત કરીએ તો તેમનો જન્મ 16 જાન્યુઆરી, 1927ના રોજ લાહોરમાં થયો હતો. કામિની કૌશલે આઝાદી પહેલાં વર્ષ 1946માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ પોતાની અભિનયની શરૂઆત ફિલ્મ `નીચા નગર`થી કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો એવોર્ડ જીત્યો હતો. ત્યાર બાદ અભિનેત્રીએ `દો ભાઈ` (1947), `શહીદ` (1948), `નદિયા કે પાર` (1948), `ઝિદ્દી` (1948), `શબનમ` (1949), `પારસ` (1949), `નમૂના` (1949), `આરઝૂ` (1950), `ઝાંઝર` (1953), `આબરુ` (1956), `બડે સરકાર` (1957), `જેલર` (1958), `નાઇટ ક્લબ` (1958), અને ગોદન (1963) વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે લાહોરમાં જન્મેલાં કામિનીજીનું બાળપણનું નામ ઉમા કશ્યપ હતું. તેમનો જન્મ બહુ જ શિક્ષિત પરિવારમાં થયો હતો. તેમના પિતા શિવરામ કશ્યપ જાણીતા વનસ્પતિશાસ્ત્રી હતા, જેમણે લાહોરમાં વનસ્પતિશાસ્ત્ર વિભાગની સ્થાપના કરી હતી અને ભારતીય વૈજ્ઞાનિક જગતમાં જાણીતું નામ હતું

કામિનીજી (Kamini Kaushal Death)ના બાળપણની ઝલક જોઈએ તો તેઓને ઘોડેસવારી, ભરતનાટ્યમ, સ્વીમીંગ વગેરે ખૂબ ગમતું હતું. તે ઉપરાંત કામિનીજીએ રેડિયો નાટકો તેમ જ થિયેટરમાં પણ ભાગ લીધો હતો. અભિનેત્રી પરિવારમાં બે ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાના હતાં. માત્ર સાત વર્ષની ઉંમર હતી ત્યારે જ તેઓએ પોતાના પિતાજીની છત્રછાયા ગુમાવી દીધી હતી.

`નીચા નગર’ ફિલ્મનું પ્રથમ પ્રદર્શન 29 સપ્ટેમ્બર, 1946ના રોજ ફ્રાન્સના કાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કરાયું હતું. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ નોમિનેશન મળ્યું હતું. ચેતન આદર્શ દ્વારા નિર્દેશિત આ પહેલી ફિલ્મ હતી. 20 વર્ષની ઉંમરે તે સ્ટારડમની ટોચ પર પહોંચી ગઈ હતી. પોતાની કારકિર્દીની બીજી ઇનિંગ્સમાં અભિનેત્રી અભિનેતા મનોજ કુમારની ઓન-સ્ક્રીન માતા તરીકે પ્રખ્યાત હતી. 

જો કે, નેવુંના દાયકામાં અને ત્યારબાદ આ અભિનેત્રી (Kamini Kaushal Death) ખૂબ સક્રિય નહોતી રહી. છતાં હાલના છેલ્લા વર્ષોમાં તે `લગા ચુનરી મેં દાગ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, `કબીર સિંહ અને ‘લાલ સિંહ ચડ્ડા’માં પણ જોવા મળી હતી.

કામિની કૌશલે દિલીપ કુમાર તેમ જ રાજ કપૂર સહિત ઘણા મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. અભિનેત્રી કામિની કૌશલના મૃત્યુની પુષ્ટિ કરતા તેમના નજીકના સૂત્રએ તેમના પરિવારની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે. એવું જાણવા મળ્યું છે કે કામિની કૌશલ (Kamini Kaushal Death)નો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહ્યો છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news celebrity death