કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચેના વર્ષો જૂના ઝઘડાનો આવ્યો અંત, બન્નેએ કેસ રદ કર્યા

28 February, 2025 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kangana Ranaut and Javed Akhtar Defamation Case: કંગના રનૌતે અખ્તર સામે વળતી ફરિયાદ દાખલ કરી અને બન્ને વચ્ચેનો કાનૂની વિવાદ વધુ તીવ્ર બન્યો. કંગનાએ આરોપ કર્યો હતો કે અખ્તરે તેને અયોગ્ય દબાણ હેઠળ માફી માગવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

કંગના રનૌત અને જાવેદ અખ્તર (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડની પંગા ક્વિન અભિનેત્રી અને અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સાંસદ કંગના રનૌત તેના વિવાદોને લીધે ચર્ચામાં રહે છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી લેખક-ગીતકાર જાવેદ અખ્તર સાથે ચાલી રહેલા વિવાદનો કાનૂની કાર્યવાહી આખરે અંત આવ્યો છે. કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે સમાધાન થયું છે. શુક્રવારે મુંબઈના બાન્દ્રામાં મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આ સમાધાન થયું. કંગના રનૌત અને જાવેદ અખ્તર બન્ને સવારે 10:30 વાગ્યે બાન્દ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચ્યા અને તેમના સંબંધિત વકીલો, જય કે ભારદ્વાજ અને રિઝવાન સિદ્દીકી સાથે મેજિસ્ટ્રેટ આશિષ અવારીના પણ ચેમ્બરમાં પ્રવેશ્યા. ચેમ્બરમાં એક કલાકથી વધુ સમય રહ્યા પછી, વકીલો રનૌત અને અખ્તરના નિવેદનો રેકોર્ડ કરવા માટે કેટલાક કાગળો મેળવવા માટે બહાર નીકળ્યા હતા.

નિવેદનો અનુસાર, અખ્તર અને રનૌત એકબીજા સામે દાખલ કરેલા માનહાનિના કેસ પાછા ખેંચવા સંમત થયા છે. કોર્ટમાંથી બહાર નીકળતાં જાવેદ અખ્તરે મીડિયાને કહ્યું, “આટલા વર્ષો પછી, આખરે આ મામલો ઉકેલાઈ ગયો છે. કંગનાએ મને થયેલી બધી અસુવિધા માટે માફી માગી છે. હું મારો કેસ પાછો લઈશ અને તે પોતાનો કેસ પાછો લેશે." છેલ્લા પાંચ વર્ષોમાં, અખ્તરે રનૌત સામેના તેમના કેસની લગભગ બધી જ સુનાવણીઓમાં હાજરી આપી હતી, અન્ય અરજદારો સાથે પોતાનો વારો રાહ જોઈ રહ્યા છે. તે સાક્ષી પેટીમાં પણ હાજર થયા હતા જ્યાં તેમનું અને રનૌતનું નિવેદન નોંધાયું હતું.

હળવી વાત એ છે કે, જ્યારે અખ્તરને પૂછવામાં આવ્યું કે સમાધાન પછી તેમને શાંતિ લાગે છે, ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો, "હું હવે એક નવી સમસ્યા ઉપાડીશ." રનૌત અને અખ્તર વચ્ચેનો કાનૂની વિવાદ માર્ચ 2016 માં અખ્તરના નિવાસસ્થાને થયેલી મુલાકાતથી શરૂ થયો હતો. તે સમયે, રનૌત અને અભિનેતા હૃતિક રોશન વચ્ચે કથિત રીતે ઈમેલની આપ-લેને લઈને જાહેરમાં ઝઘડો થયો હતો. રોશન પરિવારના નજીકના અખ્તરે પોતે જ આ મામલે દરમિયાનગીરી કરી હતી અને કથિત રીતે રનૌતને રોશનની માફી માગવા કહ્યું હતું.

રનૌતે તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. જોકે, 2020 માં, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, રનૌતે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન અખ્તર સાથેની 2016 ની મુલાકાતની ચર્ચા કરી હતી. અખ્તરે કંગના દ્વારા ઇન્ટરવ્યુ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓને બદનક્ષીભરી ગણાવી હતી અને ત્યારબાદ તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કંગના રનૌતે અખ્તર સામે વળતી ફરિયાદ દાખલ કરી અને બન્ને વચ્ચેનો કાનૂની વિવાદ વધુ તીવ્ર બન્યો. કંગનાએ આરોપ કર્યો હતો કે અખ્તરે તેને અયોગ્ય દબાણ હેઠળ માફી માગવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દિંડોશી સેશન્સ કોર્ટે અખ્તર સામેની આ કાર્યવાહી પર હવે સ્ટે મુકી દીધો છે. કંગના રનૌતે પોતાના નિવેદનોમાં કહ્યું છે કે અખ્તર સામે ઇન્ટરવ્યુ આપવાની તેની સમગ્ર ઘટના બન્ને વચ્ચેના ગેરસમજને લીધે બની હતી.

kangana ranaut javed akhtar sushant singh rajput hrithik roshan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news