13 June, 2026 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ જેવી બીજી હિરોઇન નહીં બની શકે
હાલમાં કંગના રનૌત પોતાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ના પ્રમોશન માટે વિવિધ મીડિયા-ઇન્ટરવ્યુ આપી રહી છે ત્યારે તેણે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે દીપિકા પાદુકોણ જેવી બીજી હિરોઇન નહીં બની શકે.
એક ઇવેન્ટમાં જ્યારે કંગનાને સવાલ કરવામાં આવ્યો કે ફિલ્મઉદ્યોગને બીજી કંગના રનૌત કેમ મળી શકતી નથી? આ સવાલનો જવાબ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘આપણે ઘણી વાર માનીએ છીએ કે અભિનેત્રીઓ આવે છે અને પછી ચાલી જાય છે, પણ હકીકતમાં એવું નથી. બીજી મીના કુમારી મળી શકશે નહીં. હું તો એ પણ વિચારી રહી હતી કે બીજી કરિશ્મા કપૂર પણ નહીં બને. હેમા માલિની હોય, વહીદા રહમાન હોય કે મધુબાલા... દરેકની પોતાની અલગ ઓળખ છે. દરેક સમયગાળાના પોતાના ચહેરા હોય છે જેને તમે ક્યારેય રિપ્લેસ કરી શકતા નથી. માધુરી દીક્ષિત જેવી બીજી કોઈ નહીં બને. આ માત્ર મારા વિશે નથી પણ મને લાગે છે કે બીજી દીપિકા પાદુકોણ પણ નહીં બને. દરેક કલાકાર પોતાના સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને પોતાની આગવી ઓળખ સર્જે છે. દરેકનો પોતાનો એક યુગ હોય છે. માધુરીજી આજે પણ સતત કામ કરી રહ્યાં છે અને લોકો તેમનું કામ એટલું જ પસંદ કરે છે. જો એવું ન હોત તો લોકો કહેત કે તેમને હટાવો અને નવી અભિનેત્રીઓને તક આપો, પણ એવું થતું નથી કારણ કે આવા કલાકારો ખરેખર ખૂબ જ ખાસ હોય છે અને તેમની જગ્યા બીજું કોઈ લઈ શકતું નથી.’
હમણાં થોડા સમય પહેલાં રણવીર સિંહ તેના ‘ડૉન 3’ના વિવાદને કારણે ચર્ચામાં હતો. તેણે આ ફિલ્મ છેલ્લી ઘડીએ છોડી દેતાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ દ્વારા તેની વિરુદ્ધ નૉન-કોઑપરેશન નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. પછી ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ અસોસિએશન અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનના હસ્તક્ષેપ પછી આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. એ સમયે કંગના રનૌતે જાહેરમાં રણવીરનું સમર્થન કર્યું હતું. હવે તેણે આ સમગ્ર વિવાદ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે તેને કેમ લાગે છે કે રણવીર સિંહને જ નિશાન બનાવવામાં આવ્યો છે ત્યારે જવાબમાં કંગનાએ પહેલાં તો કહ્યું કે આ પ્રશ્નનો સાચો જવાબ તો માત્ર રણવીર જ આપી શકે. જોકે પછી કંગનાએ શબ્દો ચોર્યા વગર કહ્યું હતું કે ‘હું એટલું જ કહેવા માગું છું કે ઇન્ડસ્ટ્રીમાં થોડો પાકિસ્તાનપ્રેમ છે. મોટા ભાગની ફિલ્મોમાં અત્યાર સુધી આપણને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ શીખવવામાં આવ્યો છે. જ્યારે એવી કોઈ ફિલ્મ આવે છે જે આપણને પાકિસ્તાનનો વાસ્તવિક ચહેરો બતાવે છે ત્યારે કેટલાક લોકોને દુઃખ થાય છે. આ પછી તેમને લાગે છે કે તેઓ અત્યાર સુધી જે બતાવતા આવ્યા છે એની તો કોઈ કિંમત જ નથી રહી.’