કંગના રનૌતની તેના જૂના પાર્ટી-વિડિયો દેખાડીને ટીકા કરવામાં આવી એને પગલે તે કહે છે...

05 August, 2026 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે હું જાગૃત અને સ્પષ્ટ હિન્દુ બનવા ઇચ્છું છું, મારે હવે સંઘી બનવું છે; મારે પણ કન્વર્ટ થવું છે તો મારા માટે આ રસ્તો કેમ બંધ હોવો જોઈએ?

કંગના રનૌત

કંગના રનૌત ફરી એક વાર પોતાનાં નિવેદનોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને હિન્દુ યુવતીઓ, ધર્મપરિવર્તન અને વિચારધારા વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા. કંગનાનો વિડિયો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. અનેક લોકોએ અનુમાન લગાવ્યું કે તેનો ઇશારો ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરનાર ઍક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તરફ હોઈ શકે છે. જોકે કંગનાએ કોઈનું નામ લીધું નથી અને તેના નિવેદનમાં કોઈ વ્યક્તિની સીધી ઓળખ આપવામાં આવી નથી. 
આ વિડિયોમાં કંગનાએ કહ્યું હતું કે ‘સંસદ માટે નીકળવાની તૈયારીમાં હતી, પણ સવારે કેટલીક પોસ્ટ્સ કરતી વખતે મને એક એવી અભિનેત્રી યાદ આવી જેને હું વર્ષોથી ઓળખું છું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિન્દુ અભિનેત્રીઓ એવી છે જેમની શરૂઆતમાં રાજકારણ કે ધર્મ વિશે કોઈ ખાસ વિચારધારા નહોતી પણ મુસ્લિમ વ્યક્તિ સાથે મિત્રતા, સંબંધ અથવા લગ્ન થયા બાદ તેમની વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને તે ખૂબ જ કટ્ટર વિચારો તરફ વળી ગઈ. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાની પસંદનો ધર્મ કે વિચારધારા અપનાવવાનો અધિકાર આપે છે અને એમાં મને કોઈ વાંધો નથી, પણ જ્યારે હિન્દુ યુવતીઓ પોતાની ઓળખ વધુ મજબૂત રીતે હિન્દુ વિચારધારા સાથે જોડવા માગણી કરે છે ત્યારે સમાજ તેમને કેમ નિશાન બનાવે છે.’
કંગના રનૌતને છેલ્લા કેટલાક સમયથી તેનાં નિવેદનોને કારણે ટ્રોલ કરવામાં આવે છે. લોકો તેના જૂના પાર્ટી, 
આઇટમ-સૉન્ગ અને ગ્લૅમરસ જીવનશૈલીના વિડિયો બતાવીને પૂછે છે કે તે અચાનક કેવી રીતે બદલાઈ ગઈ. કંગનાએ આ સવાલોના જવાબ આપતાં પોતાના વિડિયોમાં સ્પષ્ટતા કરતાં હતું કે ‘હું પહેલાં ‘મૉડરેટ હિન્દુ’ હતી, પણ હવે મારી પોતાની ઇચ્છાથી ‘જાગૃત અને સ્પષ્ટ હિન્દુ’ બનવા ઇચ્છું છું. મારે સંઘી બનવું છે. મારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અપનાવવી છે. મારે પણ કન્વર્ટ થવું છે તો મારા માટે આ રસ્તો કેમ બંધ હોવો જોઈએ? જો કોઈ વ્યક્તિ લગ્ન પછી પોતાનો ધર્મ કે વિચારધારા બદલી શકે છે તો હિન્દુ યુવતીઓને પણ પોતાની આધ્યાત્મિક અથવા વૈચારિક ઓળખ મજબૂત કરવાનો સમાન અધિકાર મળવો જોઈએ. સમાજ હિન્દુ યુવતીઓ માટે અલગ માપદંડ અપનાવે છે અને આ યોગ્ય નથી.’

kangana ranaut viral videos social media entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood