કરણ જોહર ભારતના પહેલા માસ્ટર સ્પાય આર. એન. કાવ પરથી ફિલ્મ બનાવશે

22 September, 2026 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરે ભારતના પ્રથમ ‘માસ્ટર સ્પાય’ આર. એન. કાવના જીવન પર આધારિત સ્પાય ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મમાં કાવનું પહેલું મિશન દર્શાવાશે અને તે નિતિન ગોખલેના ‘જેન્ટલમૅન સ્પાયમાસ્ટર’ પુસ્તક પર આધારિત હશે.

આર. એન. કાવ

ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં આર. એન. કાવ તરીકે ઓળખાતા ભારતના પહેલા ‘માસ્ટર સ્પાય’ રામેશ્વર નાથ કાવના જીવન પરથી એક મોટી સ્પાય-ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આર. એન. કાવ ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (રૉ)ના પ્રથમ વડા અને સ્થાપક હતા. આ ફિલ્મ ૨૦૨૮ની ૧૧ ઑગસ્ટે રિલીઝ થશે. 
આ ફિલ્મની જાહેરાત કરતાં કરણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આજે ‘રૉ’ના ૫૮ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. અમને આર. એન. કાવના જીવન પરથી બની રહેલી અમારી ફિલ્મની જાહેરાત કરતાં ખૂબ ખુશી થઈ રહી છે. આ એવી વ્યક્તિની વાત છે જેમણે પડદા પાછળ રહીને કામ કર્યું. તેમણે એ સંસ્થાનો પાયો નાખ્યો જેને આજે આપણે ‘રૉ’ના નામે ઓળખીએ છીએ. ફિલ્મમાં તેમના પ્રથમ મિશનને પણ દર્શાવવામાં આવશે. આ ફિલ્મ નિતિન ગોખલેના પુસ્તક ‘જેન્ટલમૅન સ્પાયમાસ્ટર’ પર આધારિત છે.’

કોણ હતા આર. એન. કાવ?

આર. એન. કાવ એ વ્યક્તિ હતા જેમણે દેશમાં ગુપ્તચર તંત્રનો પાયો નાખ્યો હતો. તેમને જાસૂસીની દુનિયાના સૌથી મોટા દિગ્ગજોમાંથી એક માનવામાં આવતા હતા. ૧૯૬૮ની ૨૧ સપ્ટેમ્બરે જ્યારે ‘રૉ’ની રચના કરવામાં આવી ત્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને એના પ્રથમ વડા તરીકે નિયુક્ત કર્યા હતા. ‘રૉ’ની રચનાનાં માત્ર ત્રણ વર્ષમાં આર. એન. કાવે એવું ગુપ્તચર નેટવર્ક ઊભું કર્યું હતું કે જેના કારણે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતને ઐતિહાસિક સફળતા મળી હતી. તેમણે પૂર્વ પાકિસ્તાનમાં લશ્કરી વ્યૂહરચના તૈયાર કરવામાં સૅમ માણેકશૉ સાથે મળીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ૧૯૭૫માં સિક્કિમને ભારતનું બાવીસમું રાજ્ય બનાવવાની ગુપ્ત રાજદ્વારી અને ગુપ્તચર વ્યૂહરચના તૈયાર કરવાનું મુખ્ય શ્રેય પણ આર. એન. કાવને આપવામાં આવે છે. તેઓ જવાહરલાલ નેહરુ સહિત અનેક વડા પ્રધાનોના નજીકના સુરક્ષા વડા અને સલાહકાર રહ્યા હતા. ૨૦૦૨ની ૨૦ જાન્યુઆરીએ ૮૩ વર્ષની વયે દિલ્હીમાં તેમનું નિધન થયું હતું.

karan johar entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood