01 September, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ‘દાયરા’ના ટ્રેલર લૉન્ચ વખતે પૃથ્વીરાજ સુકુમારન, મેઘના ગુલઝાર અને કરીના કપૂર.
કરીના કપૂરની આગામી ફિલ્મ ‘દાયરા’ અને તેણા નણદોઈ કુણાલ ખેમુની ફિલ્મ ‘વાઇબ’ એક જ દિવસે ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ગઈ કાલે ‘દાયરા’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન કરીનાએ
બૉક્સ-ઑફિસ પર થનારી ટક્કર વિશે વાત કરતાં કુણાલનાં ભરપૂર વખાણ કર્યાં અને કહ્યું કે સિનેમામાં સારી ફિલ્મો માટે હંમેશાં જગ્યા હોય છે.
બૉક્સ-ઑફિસ પરની ટક્કર વિશે વાત કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે કુણાલ અદ્ભુત અભિનેતા છે અને ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાં તેનો સમાવેશ થાય છે. કુણાલ જેવું કૉમિક ટાઇમિંગ કોઈનું નથી. મને વિશ્વાસ છે કે બે સારી ફિલ્મો માટે સિનેમામાં પૂરતી જગ્યા છે. ‘વાઇબ’ ચોક્કસ સારું પ્રદર્શન કરશે. એ મસ્ત કૉમેડી ફિલ્મ છે અને લોકોને કુણાલનો એક અલગ જ અંદાજ જોવા મળશે. બન્ને ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ધમાકો કરશે. મને ‘વાઇબ’થી મારી ફિલ્મને કોઈ ખતરો હોય એવું નથી લાગતું. હું ખૂબ ખુશ છું અને મને પૂરો વિશ્વાસ છે કે બન્ને ફિલ્મો ખૂબ જ સારું પ્રદર્શન કરશે.’
કરીના કપૂર અને સાઉથનો સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પહેલી વખત મેઘના ગુલઝારની ‘દાયરા’માં સાથે જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું એ પછી ચર્ચા છે કે ‘દાયરા’ ૨૦૧૯ના હૈદરાબાદ રેપ અને હત્યા કેસ પરથી પ્રેરિત છે. જોકે મેઘના ગુલઝારે સ્પષ્ટ કહ્યું કે ફિલ્મ માત્ર એક જ ઘટનાના દૃષ્ટિકોણ પર આધારિત નથી અને સ્ટોરી વિકસાવતી વખતે ટીમે દેશભરના અનેક કેસોનો અભ્યાસ કર્યો હતો.
ફિલ્મની સ્ટોરી વિશે વાત કરતાં મેઘનાએ કહ્યું હતું કે ‘અમે ઘણા સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શી રહ્યા છીએ. જો અમે માત્ર એક કેસનાં ડેટા અને તથ્યો પર આધાર રાખ્યો હોત તો દૃષ્ટિકોણ ખૂબ મર્યાદિત બની જાત. અમે જે મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છીએ એ આખા દેશમાં જોવા મળે છે. આવું માત્ર એક રાજ્ય કે એક પ્રાંતમાં જ થાય છે એવું નથી. દેશના અનેક ભાગોમાં આવી ઘટનાઓ વારંવાર બને છે અને ફિલ્મ એ જ વાસ્તવિકતાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મને એક જ કેસ સુધી સીમિત રાખવાને બદલે ટીમે અનેક કેસોનો અભ્યાસ કર્યો હતો. આ વિવિધ તત્ત્વોને સાથે વણીને ‘દાયરા’ની કથા તૈયાર કરવામાં આવી છે.’
૨૦૧૯માં હૈદરાબાદના શમશાબાદ નજીક ૨૬ વર્ષની એક પશુચિકિત્સક મહિલા સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તપાસના ભાગરૂપે તેમને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ-એન્કાઉન્ટરમાં ચારેયનાં મોત થયાં હતાં.