24 July, 2026 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર
કરીનાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે ‘છેલ્લા કેટલાક દિવસોથી હું આ મુદ્દે મૌન હતી, પણ હવે વધુ સમય સુધી મૌન રહી શકું એમ નથી. પોતાના અવાજને સાંભળવાની માગણી કરી રહેલા અસંખ્ય યુવાનોને અવગણવા શક્ય નથી... અને એવું થવું પણ ન જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે એક બાળકના જીવનમાં શિક્ષણનું કેટલું મહત્ત્વ હોય છે. શિક્ષણ તેને આત્મવિશ્વાસ આપે છે, આશા આપે છે. પરિવારોને વિશ્વાસ અપાવે છે કે આવતી કાલ આજ કરતાં વધુ સારી હોઈ શકે છે, પણ શિક્ષણ ત્યારે જ અસરકારક બને છે જ્યારે બાળકોને એના પર વિશ્વાસ હોય. જે ક્ષણે તેમને લાગે છે કે પ્રામાણિકતા, સખત મહેનત અને લાયકાતનું કોઈ મૂલ્ય નથી એ ક્ષણથી તેમનો વિશ્વાસ તૂટી જાય છે. કોઈ પણ બાળકને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે તેની મહેનત પૂરતી સાબિત થશે કે નહીં. તેમને એવી શિક્ષણ-વ્યવસ્થા મળવી જોઈએ જ્યાં લાયકાતને સાચું સ્થાન મળે, મહેનતનું યોગ્ય મૂલ્ય મળે અને દરેક બાળકને સમાન તક સાથે શરૂઆત કરવાની તક મળે. આ કોઈ મોટી ડિમાન્ડ નથી, આ તો સૌથી પાયાની અપેક્ષા છે. જ્યારે આખી એક પેઢી પોતાના ભવિષ્ય વિશે એક જ અવાજમાં બોલી રહી હોય ત્યારે તેમની વાત સાંભળવી માત્ર સૌજન્ય નથી, આપણી ફરજ છે. આપણાં બાળકો આપણને એટલી જ ગંભીરતાથી જોઈ રહ્યાં છે જેટલી ગંભીરતાથી આપણે તેમને જોઈએ છીએ. આપણે આજે જે પ્રતિસાદ આપીશું... પછી નહીં, પણ અત્યારે... આ વાત જ તેમને જણાવશે કે નિષ્પક્ષતા અને વિશ્વાસ ખરેખર અસ્તિત્વમાં છે કે પછી માત્ર મોટા લોકો દ્વારા બોલાતા શબ્દો છે. તેઓ આવતી કાલ માટે તૈયારી નથી કરી રહ્યા... તેઓ જ આવતી કાલ છે.’