08 January, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા પર કારીનાની એક તસવીર વાઇરલ થઈ હતી
કાર્તિક આર્યનની તાજેતરમાં ગોવા વેકેશનની તસવીરો ચર્ચામાં છે. મંગળવારે કાર્તિકે ગોવાથી એક તસવીર શૅર કરી હતી જેના તરત જ બાદ સોશ્યલ મીડિયા પર ગ્રીસની ૧૮ વર્ષની કારીના કૂબિલિઉટેની પણ બરાબર એ જ લોકેશન પરથી તસવીર સામે આવી જ્યાં કાર્તિક હાજર હતો. ત્યાર બાદથી જ બન્નેના ડેટિંગના સમાચાર ચર્ચામાં આવ્યા. જોકે ચર્ચામાં આવ્યા બાદ કારીનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સ્પષ્ટતા કરી છે કે ‘હું કાર્તિકને ઓળખતી નથી, હું તેની ગર્લફ્રેન્ડ નથી, હું પરિવાર સાથે વેકેશન પર છું.’ આ સ્પષ્ટતા પછી કારીનાએ સોશ્યલ મીડિયાનું પોતાનું કમેન્ટ-સેક્શન બંધ કરી દીધું છે.
હકીકતમાં કાર્તિક આર્યને મંગળવારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ગોવા વેકેશનની તસવીર શૅર કરી જેમાં તે બીચ પર સૂતેલો જોવા મળ્યો. થોડા સમય પછી સોશ્યલ મીડિયા પર કારીનાની એક તસવીર વાઇરલ થઈ જેમાં તે બરાબર એ જ બીચ પર હતી જ્યાં કાર્તિક આર્યન હતો. આ સિવાય કારીનાની સોશ્યલ મીડિયા પ્રોફાઇલનો એક સ્ક્રીનશૉટ વાઇરલ થયો જેમાં દાવો કરવામાં આવ્યો કે કાર્તિક તો કારીનાને સોશ્યલ મીડિયા પર ફૉલો કરી રહ્યો છે.
કારીના ગ્રીસની રહેવાસી છે અને તે ૧૮ વર્ષની છે. કારીના બ્રિટનમાં રહીને ભણી રહી છે. આ સાથે તે એક ચિયરલીડર પણ છે. શરૂઆતમાં કારીનાના સોશ્યલ મીડિયા પર માત્ર ૩૦૦થી ૪૦૦ ફૉલોઅર્સ હતા, પરંતુ કાર્તિક આર્યન સાથે નામ જોડાતાં હવે તેના ફૉલોઅર્સની સંખ્યા ૧૪,૦૦૦થી વધુ થઈ ગઈ છે.