22 November, 2025 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે મહિનાથી કૉલેજની ફી ન ભરાઈ હોવાનો કરિશ્માની દીકરીનો દાવો ખોટો સાબિત થયો
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અવસાન પછી તેની મિલકતને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે. કરિશ્માની દીકરી સમાઇરા કપૂર અને પુત્ર કિઆન રાજ કપૂરે સાવકી માતા પ્રિયા સચદેવ સામે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સંજયની વસિયતને ખોટી ગણાવી છે. આ કેસની છેલ્લી સુનાવણીમાં કરિશ્મા કપૂરની દીકરી સમાઇરાએ આક્ષેપ કર્યો હતો કે તેની બે મહિનાની ફી હજી સુધી ભરાઈ નથી. હવે પ્રિયા કપૂરના વકીલે કોર્ટમાં સમાઇરાની ફીની રસીદ રજૂ કરી છે.
પ્રિયાના વકીલે ઘણા દસ્તાવેજો રજૂ કર્યા છે જેમાં બાળકોની યુનિવર્સિટી-ફી ન ભરવાના આક્ષેપનો જવાબ આપવામાં આવ્યો છે. તેમણે ૯૫ લાખ રૂપિયાની પ્રતિ સેમેસ્ટરની ફીની રસીદ દાખલ કરી છે અને સાબિત કર્યું છે કે ફી પહેલેથી જ ભરાઈ ગઈ છે અને આવતા સેમેસ્ટરની ફી ડિસેમ્બરમાં ભરવાની છે.
કરિશ્મા કપૂરે બાંદરાનો ફ્લૅટ મહિને ૫.૫૧ લાખ રૂપિયામાં ભાડે આપ્યો
કરિશ્મા કપૂરે બાંદરા-વેસ્ટમાં હિલ રોડ પર આવેલા તેના એક ફ્લૅટને મહિને ૫.૫૧ લાખ રૂપિયામાં ભાડે આપ્યો હોવાના રિપોર્ટ છે. દસ્તાવેજો પ્રમાણે આ રેન્ટલ ઍગ્રીમેન્ટ નવેમ્બરમાં રજિસ્ટર થયું છે. આ ફ્લૅટનો કાર્પેટ એરિયા આશરે ૨૨૦૦ ચોરસ ફુટ છે. ભાડે આપેલા આ મકાન સાથે ૩ પાર્કિંગ-સ્પેસ પણ સામેલ છે. દસ્તાવેજો મુજબ આ કરાર માટે ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી અને ૧૭,૧૦૦ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવામાં આવી હતી. ભાડૂત દ્વારા ૨૦ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવામાં આવ્યા છે. આ લીઝ-ઍગ્રીમેન્ટ ૨૦૨૫ના નવેમ્બરથી એક વર્ષ માટે માન્ય છે જેથી એનું વર્ષનું કુલ ભાડું ૬૬.૧૨ લાખ રૂપિયા થાય છે.
રેકૉર્ડ્સ દર્શાવે છે કે આ જ યુનિટ અગાઉ પણ ભાડે આપવામાં આવ્યું હતું, જેના માટેનું ઍગ્રીમેન્ટ ૨૦૨૩ના નવેમ્બરમાં રજિસ્ટર થયું હતું. એ કરાર બે વર્ષ માટે હતો, જેમાં પ્રથમ વર્ષે મહિને પાંચ લાખ રૂપિયા અને બીજા વર્ષે ૫.૨૫ લાખ રૂપિયા મહિને ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. એ કરારથી કરિશ્મા કપૂરને કુલ ૧.૨૩ કરોડ રૂપિયાનું ભાડું પ્રાપ્ત થયું હતું.