હું આ મુદ્દે ૩૦ સેકન્ડથી વધુ ચર્ચા નથી કરવા માગતો, હું નથી ઇચ્છતો કે આ સુનાવણી મેલોડ્રામૅટિક બની જાય

16 November, 2025 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરિશ્માની દીકરીએ કોર્ટમાં કૉલેજની બે મહિનાની ફી બાકી હોવાની દલીલ રજૂ કરી એને પગલે જજ ભડક્યા

કરિશ્માની દીકરી સમાયરા

હાલમાં કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે કરિશ્માની દીકરી સમાયરા કપૂરે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું કે તે અમેરિકાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તેની બે મહિનાની ફી જમા થઈ નથી. સમાયરાના આ આક્ષેપને સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા કપૂરે ખોટો ગણાવ્યો છે. કેસમાં આવી દલીલ સાંભળીને જજે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું નથી ઇચ્છતો કે આ કાનૂની કાર્યવાહી ‘મેલોડ્રામૅટિક’ બની જાય.

શુક્રવારે હાઈ કોર્ટે કરિશ્માનાં બન્ને સંતાનો સમાયરા અને કિઆન રાજની વચગાળાના પ્રતિબંધની એક અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં સંજય કપૂરની વર્તમાન પત્ની પ્રિયા કપૂરને પતિની સંપત્તિનું વેચાણ કરતી રોકવામાં આવે એવી ડિમાન્ડ કરવામાં આવી છે. કરિશ્માનાં બાળકો વતી હાજર વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટને જણાવ્યું હતું કે ‘સમાયરાની બે મહિનાની ફી બાકી છે. બાળકોની સંપત્તિની જવાબદારી પ્રિયા કપૂર પર છે અને કરિશ્મા સાથેના છૂટાછેડાના કરારમાં સંજય કપૂરે બાળકોના શિક્ષણ અને રહેવાના ખર્ચની જવાબદારી લીધી હતી.’

આ દલીલ સાંભળીને જજે વકીલને કહ્યું હતું કે ‘હું આ મુદ્દે ૩૦ સેકન્ડથી વધુ સમય ચર્ચા કરવા નથી માગતો અને આવા મુદ્દા ફરી કોર્ટમાં ન આવવા જોઈએ. હું નથી ઇચ્છતો કે આ સુનાવણી મેલોડ્રામૅટિક બની જાય.’

karisma kapoor sanjay kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news