22 February, 2025 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૂ મેરી ઝિંદગી હૈ, તૂ મેરી હર ખુશી હૈ, તૂ હી પ્યાર તૂ હી ચાહત, તૂ હી આશિકી હૈ...’ ગીત
થોડા દિવસ પહેલાં ટી-સિરીઝે કાર્તિક આર્યન અને શ્રીલીલા સાથે નવી ફિલ્મની જાહેરાત કરી હતી. આ મ્યુઝિકલ-રોમૅન્ટિક ફિલ્મનું ડિરેક્શન અનુરાગ બાસુ કરશે. ફિલ્મના ફર્સ્ટ લુક પ્રોમોમાં કાર્તિક ‘તૂ મેરી ઝિંદગી હૈ, તૂ મેરી હર ખુશી હૈ, તૂ હી પ્યાર તૂ હી ચાહત, તૂ હી આશિકી હૈ...’ ગીત ગાતો જોવા મળે છે.
આ ગીત ૧૯૯૦માં રિલીઝ થયેલી અને રાહુલ રૉય તેમ જ અનુ અગરવાલને ચમકાવતી ‘આશિકી’ની યાદ અપાવે છે. આ ગીત મહેશ ભટ્ટના નિર્દેશનમાં ૩૫ વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાયું હતું અને હવે કાર્તિક-શ્રીલીલાની ફિલ્મમાં એ ફરી જોવા મળશે.
જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે આ ગીત મૂળ પાકિસ્તાની ફિલ્મનું છે. ‘તૂ મેરી ઝિંદગી હૈ’ ગીત હકીકતમાં ૧૯૭૭માં રિલીઝ થયેલી પાકિસ્તાની ફિલ્મ ‘મોહબ્બત મર નહીં સકતી’નું છે. આ ગીતનું સંગીત નશાદે આપ્યું હતું અને એને પ્રખ્યાત પાકિસ્તાની ગાયિકા નૂરજહાંએ ગાયું હતું. જોકે ‘આશિકી’માં ફિલ્મમાં નિર્માતાઓએ આ ગીત ફરીથી બનાવ્યું અને એક શબ્દ બદલ્યો. મૂળ ગીત હતું, ‘તૂ મેરી ઝિંદગી હૈ, તૂ મેરી હર ખુશી હૈ, તૂ હી પ્યાર તૂ હી ચાહત, તૂ હી બંદગી હૈ...’ પણ ‘આશિકી’માં બંદગી શબ્દને બદલે આશિકી શબ્દ ઉપયોગમાં લેવાયો હતો.