26 August, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિષ્ના અભિષેક, કાશ્મીરા શાહ, સુનીતા આહુજા અને ગોવિંદા
ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાના વૈવાહિક જીવનને લઈને ચાલી રહેલો વિવાદ સતત ચર્ચામાં છે. સુનીતાએ પતિ ગોવિંદા પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો હતો અને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. જોકે હવે તેણે આ અરજી પાછી ખેંચી લીધી છે. આ સમગ્ર મામલે ગોવિંદાના ભાણેજ ક્રિષ્ના અભિષેકની પત્ની અને ઍક્ટ્રેસ કાશ્મીરા શાહે પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં પતિનાં મામી સુનીતા સાથે ઊભી છે.
હાલમાં કાશ્મીરાએ એક બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપી હતી ત્યારે ફોટોગ્રાફર્સે તેને ગોવિંદા અને સુનીતાના સંબંધોને લઈને સવાલ પૂછ્યો હતો. આ સવાલ સાંભળીને કાશ્મીરાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે તેઓ એકબીજાથી દૂર થઈ ગયાં છે ત્યારે તમે પણ તેમને એકલાં કેમ નથી છોડતા? વારંવાર આવા સવાલો શા માટે પૂછો છો? હું સુનીતા સાથે છું. તેમણે પહેલાં ક્યારેય પોતાનો અવાજ ઉઠાવ્યો નહોતો, તેમણે ક્યારેય કોઈને ખોટું કહ્યું નહોતું; જો આજે તેઓ કંઈ કહી રહ્યાં છે તો ચોક્કસ કંઈક ખોટું થયું હશે. હું મારા
પરિવારની તમામ મહિલાઓ સાથે ઊભી રહીશ. ગમે તે થાય, હું મારા પરિવારનું રક્ષણ કરીશ.’