27 April, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી
પહલગામ આતંકવાદી હુમલા બાદ સુનીલ શેટ્ટીએ લોકોને નિર્ભય બનવા અને એક થવાની હાકલ કરી છે અને કહ્યું છે કે આપણે આગામી રજાઓમાં કાશ્મીર ફરવા જવું જોઈએ, આપણે આતંકવાદીઓને એ બતાવવું જોઈએ કે આપણે તેમનાથી ડરતા નથી.
મુંબઈમાં એક સમારોહમાં બોલતાં સુનીલ શેટ્ટીએ નાગરિકોને તેમની રજાઓનું પ્લાનિંગ કાશ્મીરમાં કરવા કહ્યું હતું. તેણે કહ્યું કે એક નાગરિક તરીકે આપણે એક કામ કરવું પડશે, આપણે નક્કી કરવું પડશે કે આપણી આગામી રજાઓ કાશ્મીરમાં જ હશે, બીજે ક્યાંય નહીં, આપણે તેમને બતાવવું પડશે કે આપણે ડરતા નથી.
આ મુદ્દે સુનીલ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મેં અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જરૂર પડે તો પ્રવાસી તરીકે અથવા ઍક્ટર તરીકે કાશ્મીરની મુલાકાત લેવા માટે હું તૈયાર છું. આપણે હાલમાં એક રહેવાની જરૂર છે. જે લોકો ભય અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની ચાલાકીમાં ફસાયા વિના આપણે સાથે આવવું જોઈએ અને તેમને બતાવવું જોઈએ કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને હંમેશાં આપણું જ રહેશે. આ પ્રયાસમાં સેના, નેતાઓ અને દરેક વ્યક્તિએ સામેલ થવું જોઈએ.’