26 April, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મના ધમાકેદાર ક્લાઇમૅક્સનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે હવે ‘કિંગ’ પર ઝડપથી કામ થઈ રહ્યું છે અને ફિલ્મ ક્લાઇમૅક્સ સ્ટેજ સુધી પહોંચી ગઈ છે. ‘કિંગ’ના ક્લાઇમૅક્સમાં દર્શકોને જોરદાર ઍક્શન જોવા મળશે, જેનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં કરવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘કિંગ’ના ક્લાઇમૅક્સનું શૂટિંગ કુલ ૧૮ દિવસમાં પૂર્ણ થશે, જે બે અલગ શેડ્યુલમાં વહેંચાયેલું છે. પહેલું શેડ્યુલ ૨૬ એપ્રિલથી સાઉથ આફ્રિકામાં શરૂ થશે, ત્યાર બાદ મુંબઈમાં ૧૦ દિવસનું શેડ્યુલ રાખવામાં આવ્યું છે. ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ક્લાઇમૅક્સ માટે અત્યંત સ્ટાઇલિશ અને ગ્રૅન્ડ ઍક્શન સીનનું આયોજન કર્યું છે તેમ જ દીપિકા પાદુકોણ પણ આ ક્લાઇમૅક્સ સીક્વન્સનો મહત્ત્વપૂર્ણ ભાગ બનશે. આ ક્લાઇમૅક્સ સીનમાં શાહરુખ, સુહાના ખાન, દીપિકા અને અભિષેક બચ્ચન જોવા મળશે. ચર્ચા છે કે આ શૂટિંગની મંજૂરી ઝડપથી મેળવવા માટે શાહરુખે પોતે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે સંપર્ક કર્યો હતો, જેના કારણે માત્ર ત્રણ દિવસમાં જ પરવાનગી મળી ગઈ હતી.