05 November, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`કિંગ`માં શાહરુખ ખાનનો મુકાબલો રાઘવ જુયાલ અને અભિષેક બચ્ચન સાથે થશે
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ની સ્ટોરી વિશે રસપ્રદ વિગત જાણવા મળી છે. મળતી વિગતો પ્રમાણે ફિલ્મમાં શાહરુખનું પાત્ર બે અલગ ટાઇમલાઇનમાં દેખાશે. એક ભાગમાં શાહરુખનો યુવાન અવતાર હશે, જેમાં તેની શરૂઆતની જિંદગી દેખાડવામાં આવશે અને બીજા ભાગમાં તેનું મૅચ્યોર વર્ઝન જોવા મળશે. ફિલ્મની આ બન્ને ટાઇમલાઇનમાં અલગ-અલગ ઍક્ટર વિલનના રોલમાં દેખાશે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે સ્ટોરી પ્રમાણે યુવાન શાહરુખનો સામનો રાઘવ જુયાલના પાત્ર સાથે થશે, જ્યારે પરિપક્વ શાહરુખનો મુકાબલો અભિષેક બચ્ચન સાથે થશે.
‘કિંગ’માં શાહરુખની દીકરી સુહાના ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. તે પોતાના પિતા સાથે પહેલી વાર મોટા પડદા પર અભિનય કરી રહી છે. થોડા સમય પહેલાં શાહરુખે ફૅન્સ સાથેની વાતચીતમાં કહ્યું પણ હતું કે સુહાનાની સાથે તેને ઍક્ટિંગ કરવી ખૂબ ગમે છે.