અભિનેત્રી કીર્તિ કુલ્હારી થઈ સાયબર ફ્રોડનો શિકાર, લાખોની છેતરપિંડી બાદ પોલીસમાં નોંધાવી ફરિયાદ

30 July, 2026 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kirti Kulhari falls victim to Cyber Fraud: અભિનેત્રી કીર્તિ કુલ્હારી સાયબર ઠગાઈનો ભોગ બની; સાયબર ગુનેગારોએ તેના ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા; આ મામલે અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે

અભિનેત્રી કીર્તિ કુલ્હારીની ફાઇલ તસવીર

દેશમાં સાયબર ફ્રોડ (Cyber Fraud) ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને હવે બોલિવૂડ સેલેબ્સ પણ તેનો શિકાર બની રહ્યા છે. જાણીતી બોલિવૂડ અભિનેત્રી કીર્તિ કુલ્હારી (Kirti Kulhari) સાથે પણ ક્રેડિટ કાર્ડ સ્કેમની એક ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ કીર્તિના ક્રેડિટ કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને વિદેશમાં રૂ. ૨.૪૪ લાખના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન (Kirti Kulhari falls victim to Cyber Fraud) કર્યા હતા. અભિનેત્રીની ફરિયાદના આધારે મુંબઈ (Mumbai)ની અંબોલી પોલીસ (Amboli Police)એ અજ્ઞાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશી ટ્રાન્ઝેક્શન દ્વારા ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૪ જુલાઈની રાત્રે બની હતી. વર્સોવા (Versova)ના યારી રોડ (Yari Road) પર રહેતી ૪૩ વર્ષીય અભિનેત્રી કીર્તિ કુલ્હારી અંધેરી (Andheri) વેસ્ટના એક મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા જઈ રહી હતી. સિનેમાઘર તરફ જઈ રહી હતી તે જ સમયે તેને બેંક તરફથી તેના ખાતામાંથી ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન થયો હોવાનો મેસેજ/એલર્ટ મળ્યો હતો.

બેંક એલર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા `એરોમેક્સિકો એરલાઇન્સ` (Aeromexico Airlines)ને ૨,૫૨૫ યુએસ ડોલર ચૂકવવામાં આવ્યા હતા. મેસેજ જોઈને સ્તબ્ધ થઈ ગયેલી કીર્તિએ તુરંત જ બેંકના કસ્ટમર કેરમાં સંપર્ક કર્યો હતો. બેંક ખાતાની વિગતો તપાસતા સામે આવ્યું કે ક્રેડિટ કાર્ડથી ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય રૂ. ૨.૪૩ લાખથી વધુ થતું હતું. વધુ દુરુપયોગ રોકવા માટે બેંકે તુરંત જ તેનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધું હતું.

ડિજિટલ માધ્યમથી કાર્ડની વિગતો લીક થયાની શંકા

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કીર્તિ કુલ્હારીએ પોતાનો કાર્ડ પીન કે બેંકિંગની કોઈ વિગતો કોઈની પણ સાથે શેર કરી ન હતી. તેથી તપાસકર્તાઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે કાર્ડની વિગતો સીધી રીતે મેળવવાને બદલે કોઈ તકનીકી/ડિજિટલ માધ્યમથી ચોરી કરવામાં આવી હોઈ શકે છે.

અભિનેત્રીનો મોબાઇલ ફોન, ઓનલાઇન એકાઉન્ટ કે અન્ય કોઈ ડિજિટલ નેટવર્ક દ્વારા ડેટા લીક થયો છે કે કેમ તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારો સુધી પહોંચવા માટે બેંકિંગ હિસ્ટ્રી, ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રેઇલનું પૃથ્થકરણ કરાઈ રહ્યું છે. અંબોલી પોલીસ અને સાયબર નિષ્ણાતોની ટીમ આ મામલે તપાસ ચલાવી રહી છે.

કીર્તિ કુલ્હારીની કારકિર્દી

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, કીર્તિ કુલ્હારીએ હાલમાં જ નિર્માતા તરીકેની પોતાની પ્રથમ ફીચર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જે તેની કારકિર્દીનો મહત્વનો પડાવ માનવામાં આવે છે. કીર્તિ `ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક`, `મિશન મંગલ`, `ફોર મોર શોટ્સ પ્લીઝ!`, `ક્રિમિનલ જસ્ટિસ` અને `હ્યુમન` જેવી લોકપ્રિય ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી છે. અંગત જીવનની વાત કરીએ તો, કીર્તિ અભિનેતા રાજીવ સિદ્ધાર્થને ડેટ કરી રહી છે, જેણે `ફોર મોર શોટ્સ પ્લીઝ!` માં પણ કામ કર્યું હતું. આ કપલે આ વર્ષની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી.

kirti kulhari cyber crime versova mumbai police mumbai crime news Crime News mumbai mumbai news