06 July, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન પોતાની લાગણીને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરવા માટે જાણીતી છે અને હાલમાં તેણે બૉલીવુડમાં ચાલી રહેલા જેન્ડર બાયસ વિશે ખુલ્લેઆમ વાત કરતાં કહ્યું હતું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોને ઘણી વાર તેમના પુરુષ સહકલાકારો કરતાં અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. ક્રિતીએ કહ્યું હતું કે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ ઘણી વાર પુરુષ સ્ટાર્સ સામે વધુ ગભરાતા અથવા સંકોચ અનુભવતા હોય છે, જ્યારે મહિલા કલાકારોને ઘણી વખત હળવાશથી લેવામાં આવે છે.
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં થયેલા અનુભવ વિશે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મેં અત્યાર સુધી મૉડલિંગ, એન્જિનિયરિંગ કૉલેજ અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સહિત અનેક ક્ષેત્રો જોયાં છે, પરંતુ સૌથી વધુ પડકારો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનુભવ્યા છે. બૉલીવુડમાં હીરો અને હિરોઇન વચ્ચે બહુ ભેદભાવ કરવામાં આવે છે. મેં જ્યારે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે મહિલાઓ માટે ઉપલબ્ધ તકો આજની સરખામણીએ ઘણી મર્યાદિત હતી. એ સમયે મોટા ભાગની ફિલ્મોની વાર્તા પુરુષ પાત્રોની આસપાસ જ રચાતી હતી અને મહિલા પાત્રોને માત્ર રોમૅન્ટિક સપોર્ટ આપવાનો રહેતો હતો. હવે ફિલ્મોમાં મહિલા પાત્રો વધુ સારી રીતે લખાઈ રહ્યાં છે, પણ જેન્ડરના આધારે થતો ભેદભાવ હજુ પણ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. સેટ પર ઘણી વખત મહિલા કલાકાર કોઈ પ્રશ્ન પૂછે તો લોકો એને ખોટી રીતે લે છે, જ્યારે એ જ પ્રશ્ન કોઈ પુરુષ અભિનેતા પૂછે તો માનવામાં આવે છે કે તે પોતાના પાત્રને વધુ સારી રીતે સમજવા માટે પ્રશ્ન કરી રહ્યો છે. શૂટિંગ વખતે ઘણી વખત પુરુષ કલાકારોને વધુ સારી સુવિધાઓ પણ આપવામાં આવે છે.’