ફિલ્મ નિષ્ફળ જતાં રડે છે ક્રિતી સૅનન

08 August, 2022 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતીનું કહેવું છે કે આગળ વધવા સિવાય બીજો કોઈ પર્યાય નથી

ક્રિતી સૅનન

ક્રિતી સૅનનનું કહેવું છે કે મારી ફિલ્મ નિષ્ફળ જતાં મને રડવું આવી જાય છે. તેનામાં પણ ઇમોશન્સ છે. નિષ્ફળતાને કારણે વ્યક્તિ ઇમોશનલ રોલર કોસ્ટર રાઇડનો અનુભવ કરે છે. જોકે ક્રિતીનું કહેવું છે કે આગળ વધવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. એ વિશે ક્રિતીએ કહ્યું કે ‘હું દુખી થાઉં છું, હું રડું છું, સામાન્ય વ્યક્તિની જેમ મારામાં પણ ઇમોશન્સ છે. તમે કદાચ બહાર કે પછી સ્ક્રીન પર અને ઇન્ટરવ્યુમાં સ્ટ્રૉન્ગ મહિલાને જોઈ હશે, પરંતુ મારું માનવું છે કે તમારાં ઇમોશન્સનો સામનો કરવો પણ અગત્યનું છે. તમે એને છુપાવી ન શકો, કેમ કે એ યોગ્ય નથી. આપણે એવાં નથી બન્યાં. આપણે જ્યારે નાનાં હતાં ત્યારે આપણે ખૂબ સરળ હતાં. આપણને તકલીફ થતી તો આપણે રડતાં હતાં. હસવું હોય ત્યારે હસી લેતાં. લોકો શું કહેશે એ વિશે કદી નહોતાં વિચારતાં. જોકે મારું માનવું છે કે જેમ-જેમ આપણે મોટાં થતાં જઈએ છીએ, આપણે વસ્તુસ્થિતિને હૅન્ડલ કરતાં શીખી જઈએ છીએ. આ જ મારી સ્ટ્રેન્ગ્થ છે. જો હું થોડા દિવસ સુધી નારાજ હોઉં તો હું વધુ ને વધુ ઉદાસ થઈશ. જો મારી ઇચ્છા રડવાની થશે તો હું રડી લઈશ. જો મને કોઈની સાથે વાત ન કરવી હોય તો હું વાત નહીં કરું. કાં તો પછી હું ફ્રેન્ડ સાથે ફોનકૉલ પર હોઈશ. મારું એટલું જ કહેવું છે કે હું પણ એ જ અનુભવું છું જે તમે અનુભવો છો. એથી આગળ વધવું જોઈએ. જે ફિલ્મો મારી મનપસંદ હોય છે હું એનો કદાચ બચાવ કરીશ. જોકે મારે પણ આગળ વધવાનું છે. વાસ્તવિકતા મારે સ્વીકારવી જોઈએ. નસીબમાં આ જ લખાયેલું હશે. એક સમયે એક ઍક્ટર તરીકે તમે વધુ કાંઈ ન કરી શકો. માત્ર તમને અનુભવ મળે છે, તમે એમાંથી શીખી શકો અને એનો સ્વીકાર કરીને ભવિષ્યમાં આગળ વધો.’

entertainment news bollywood bollywood gossips bollywood news kriti sanon