લગાનની સ્પેશ્યલ પાર્ટીમાં છવાઈ ગઈ રેખા

16 June, 2026 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લગાન’ની રિલીઝનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાની પાર્ટીમાં રેખાએ આમિર ખાન સાથે કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી

ઇવેન્ટમાં આમિર ખાનની બહેન સાથે રેખાનો મસ્તીભર્યો અંદાજ

આમિર ખાનના પ્રોડક્શન હાઉસે નિર્માણ કરેલી ફિલ્મ ‘લગાન’ની રિલીઝને ગઈ કાલે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગનું સેલિબ્રેશન કરવા માટે આમિર ખાન અને ડિરેક્ટર આશુતોષ ગોવારીકરે શનિવારે ફિલ્મના એક સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેખાએ પણ હાજરી આપી હતી.

આ ઇવેન્ટમાં આમિરનો સમગ્ર પરિવાર પણ હાજર રહ્યો હતો. તેની બહેન નિખત ખાન બ્લૅક સાડીમાં કાર્યક્રમમાં પહોંચી હતી અને હવે સોશ્યલ મીડિયામાં નિખત અને રેખાની મુલાકાત ચર્ચાનો મુદ્દો બની છે. કાર્યક્રમના વિડિયોમાં જોવા મળે છે કે રેખા ઇવેન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે નિખત તેનું સ્વાગત કરે છે. ત્યાર બાદ રેખા પ્રેમથી તેને ભેટી પડે છે અને નિખત આદરપૂર્વક રેખાનાં ચરણ સ્પર્શ કરે છે.

આ ફંક્શનમાં રેખાએ ગોલ્ડન બૉર્ડરવાળી ઑફ-વાઇટ સાડી પહેરી હતી જેમાં તેનો ક્લાસિક અને રાજસી અંદાજ સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. પોતાની ગ્રેસફુલ સ્ટાઇલ અને વ્યક્તિત્વથી રેખા ફરી એક વાર સમગ્ર કાર્યક્રમમાં છવાઈ ગઈ હતી. 

રેખાએ વ્યક્ત કરી ઇચ્છા... આમિર સાથે કામ કરવાનું સ્વપ્ન છે

‘લગાન’ની રિલીઝનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાની પાર્ટીમાં રેખાએ આમિર ખાન સાથે કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું એક વાત કહેવા ઇચ્છું છું. મારું એક સ્વપ્ન છે. હું ખરેખર ઇચ્છું છું અને પ્રાર્થના કરું છું કે એ પૂરું થાય અને એ સ્વપ્ન છે આમિર ખાન સાથે કામ કરવાનું. અમે ખરેખર એક ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું. શેખર કપૂર ‘ટાઇમ મશીન’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા અને અમે એનું શૂટિંગ કર્યું હતું પણ એ ક્યારેય રિલીઝ થઈ નહોતી.’

શેખર કપૂરે વર્ષ ૧૯૯૨માં ‘ટાઇમ મશીન’ની જાહેરાત કરી હતી. આ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ હતી અને એનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. ફિલ્મમાં આમિર ખાન, રેખા, નસીરુદ્દીન શાહ, રવીના ટંડન, ગુલશન ગ્રોવર અને વિજય આનંદ જેવાં કલાકારો સામેલ હતાં. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ પછી શેખર કપૂર અમેરિકા ચાલ્યો ગયો અને અંતે આ પ્રોજેક્ટ અધવચ્ચે જ બંધ કરવો પડ્યો હતો.

rekha aamir khan bollywood events entertainment news bollywood bollywood news lagaan