05 June, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લલિત મોદી અને રણવીર સિંહ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ રણવીર સિંહને લઈને એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ લલિત મોદી હાલમાં પોતાના જીવન પર આધારિત બાયોપિક પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં લીડ રોલ કોણ ભજવશે એ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ લલિત મોદીએ જણાવ્યું હતું કે રણવીરે મારી બાયોપિકમાં મારું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પોતાની આ બાયોપિક પર વાત કરતાં લલિત મોદીએ કહ્યું હતું કે ‘એ વાત સાચી છે કે મારી બાયોપિક પર કામ ચાલી રહ્યું છે. હાલમાં એની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર મારું પાત્ર ભજવવા માગે છે. તે મને મળવા આવ્યો હતો. હું પણ ઇચ્છું છું કે તે આ પાત્ર ભજવે. જો તેની પાસે સમય હોય તો તે આ કામ કરે, કારણ કે હવે તે ખૂબ મોટો સ્ટાર બની ગયો છે. હું રણવીરને ઓળખતો નહોતો, પરંતુ દીપિકા પાદુકોણને હું સારી રીતે ઓળખતો હતો. હું અગાઉ ક્યારેય રણવીરને મળ્યો નહોતો. એક દિવસ મને ફોન આવ્યો કે રણવીર મને મળવા માગે છે. લગભગ બે વર્ષ પહેલાં તે મને મળવા લંડન આવ્યો હતો. રણવીરે મને કહ્યું હતું કે જો મારા જીવનમાં કોઈ એક એવું પાત્ર હોય જે હું ભજવવા માગતો હોઉં તો એ લલિત મોદીનું પાત્ર છે. મને લાગે છે કે તે એક અદ્ભુત ઍક્ટર છે. હવે તે મારું પાત્ર ભજવવા માગે કે ન માગે, પરંતુ લગભગ બે વર્ષ પહેલાં અમે આ જ ઘરમાં બેસીને આ વાતની ચર્ચા કરી હતી.’