20 April, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લારા દત્તાની સોશિયલ મીડિયા પોસ્ટ
૧૬ એપ્રિલે લારા દત્તાની ૪૭મી વર્ષગાંઠ હતી. લારાએ આ દિવસે પતિ મહેશ ભૂપતિ અને દીકરી સાઇરા સાથે ફૅમિલી-ડિનર કરીને આ દિવસની સ્પેશ્યલ ઉજવણી કરી હતી. આ દિવસે લારાએ રેડ બોલ્ડ ગાઉન પહેર્યું હતું અને એમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. લારાની સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી આ તસવીર જોઈને તેના ચાહકોને એવો સવાલ થવા લાગ્યો છે કે આજકાલ લારા શું કરી રહી છે? તો એનો જવાબ એ છે કે આજકાલ લારાનો મોટા ભાગનો સમય તેના પરિવારને સંભાળવામાં તેમ જ મુંબઈ અને દુબઈનાં તેનાં બે ઘરો વચ્ચે તેના ટાઇમનું મૅનેજમેન્ટ કરવામાં જાય છે.
થોડા સમય પહેલાં લારાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાની કેટલીક તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘એપ્રિલ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને હું મારું મુંબઈનું ઘર અને દુબઈના અડૉપ્ટેડ ઘર વચ્ચે આંટાફેરા કરી રહી છું. જેમ-જેમ વ્યક્તિ મોટી થતી જાય છે તેમ-તેમ પોતાનું સ્થાયી ઘર વસાવવા લાગે છે, પણ મારી સાથે એવું નથી. મને લાગે છે કે મારામાં જિપ્સી બ્લડ છે. મને મુંબઈ અને દુબઈ વચ્ચે આંટાફેરા કરવાનું નૉર્મલ લાગે છે. એમાં ક્યારેક ગોવા પણ જતી રહું છું. મારા પિતા તો કહે છે કે મારા પગમાં પૈડાં છે.’
લારા દત્તાની આગામી ફિલ્મો કઈ છે?
લારાની કરીઅરની વાત કરીએ તો તે છેલ્લે ૨૦૨૧માં ‘બેલ બૉટમ’માં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં અને
‘ઇશ્ક-એ-નાદાન’ ફિલ્મમાં દેખાઈ હતી. આ ઉપરાંત ૨૦૨૩માં નાના પડદે તે ‘ચાર્લી ચોપડા ઍન્ડ ધ મિસ્ટરી ઑફ સોલંગ વૅલી’ નામની વેબ-સિરીઝમાં અને ૨૦૨૪માં ‘રણનીતિ : બાલાકોટ ઍન્ડ બિયૉન્ડ’ નામની વેબ-સિરીઝમાં જોવા મળી હતી. હવે તે ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘સૂર્યાસ્ત’ અને ‘રામાયણ’ નામની ફિલ્મોમાં જોવા મળશે. આ ‘વેલકમ ટુ ધ જંગલ’માં તેની સાથે જૅકી શ્રોફ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાણી, રવીના ટંડન, દિશા પાટની, જૉની લીવર અને રાજપાલ યાદવ જેવાં કલાકારો છે. ‘સૂર્યાસ્ત’ એક રિવેન્ડ-ડ્રામા છે જેમાં પત્રલેખા પણ છે. રણબીર કપૂરની ‘રામાયણ’માં તે કૈકેયીના રોલમાં છે.