16 November, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિતેશ તિવારીની ‘રામાયણ’માં લારા દત્તાએ રાણી કૈકેયીની ભૂમિકા ભજવી છે
નિતેશ તિવારીની ‘રામાયણ’માં લારા દત્તાએ રાણી કૈકેયીની ભૂમિકા ભજવી છે. મહાકાવ્ય રામાયણમાં કૈકેયીનું પાત્ર અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે કૈકેયીને કારણે જ ભગવાન રામને ૧૪ વર્ષનો કઠોર વનવાસ ભોગવવો પડ્યો હતો.
લારાએ આ ફિલ્મમાં તેની પસંદગીના ઘટનાક્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે મેં પહેલી વાર સાંભળ્યું કે આ મહાકાવ્યને એવી ફિલ્મ તરીકે બનાવવાનો વિચાર થઈ રહ્યો છે જે દર્શકોને એક ભવ્ય સિનેમૅટિક અનુભવ આપશે ત્યારથી જ હું એનો ભાગ બનવા માગતી હતી. મને ખબર નહોતી કે હું કેવી રીતે એનો ભાગ બનીશ, પણ બસ મારે આ ફિલ્મનો હિસ્સો બનવું હતું. કદાચ મેં પૂરા દિલથી પ્રાર્થના કરી હશે અને એ સ્વીકારાઈ ગઈ. જ્યારે મને નિતેશ તિવારીની ઑફિસમાં તેમને મળવા માટે ફોન આવ્યો ત્યારે મને જણાવવામાં આવ્યું નહોતું કે હું કયા પાત્ર માટે તેમને મળવાની છું. મને તો એ પણ ખબર નહોતી કે આ મુલાકાત ‘રામાયણ’ માટે થઈ રહી છે. મને માત્ર એટલું લાગ્યું હતું કે તેઓ કંઈક બનાવી રહ્યા છે અને મને એમાં લેવાનું વિચારી રહ્યા છે. એ મુલાકાતની શરૂઆતની ૩૦ સેકન્ડમાં જ તેમણે મને કૈકેયીનો રોલ ઑફર કરી દીધો હતો. આ સાંભળીને હું તો મારી બેઠક પરથી ઊછળી પડી હતી અને તેમને ભેટી પડી હતી, કારણ કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને કૈકેયીનું પાત્ર ભજવવાની તક મળશે.’