09 July, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધુર ભંડારકર હવે ‘ધ વાઇવ્સ’ નામની એક નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે
ફૅશન અને ગ્લૅમર-ઇન્ડસ્ટ્રી પાછળની વાસ્તવિક વાર્તાઓ દર્શાવનાર ફિલ્મમેકર મધુર ભંડારકર હવે ‘ધ વાઇવ્સ’ નામની એક નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તે બૉલીવુડ સેલિબ્રિટીઓની પત્નીઓની વાર્તાઓ દર્શાવવાનો પ્રયાસ કરશે. તેની આ ફિલ્મ બૉલીવુડની સૌથી ગ્લૅમરસ મહિલાઓની પાછળ છુપાયેલી હકીકતનો પર્દાફાશ કરશે અને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મની જાહેરાત નિર્માતાઓએ વર્ષની શરૂઆતમાં કરી હતી. ‘ધ વાઇવ્સ’માં સોનાલી કુલકર્ણી, મૌની રૉય, રેજિના કૅસેન્ડ્રા, રાહુલ ભટ્ટ, સૌરભ સચદેવ, અર્જન બાજવા અને ફ્રેડી દારૂવાલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
મધુર ભંડારકરે અગાઉ ‘ફૅશન’, ‘ચાંદની બાર’, ‘હિરોઇન’ અને ‘પેજ 3’ જેવી ફિલ્મોમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઓની ચમક પાછળની દુનિયા દર્શાવી છે. હવે તે બૉલીવુડની સ્ટાર પત્નીઓની ચમકદાર દુનિયા પાછળની વાર્તા લઈને આવી રહ્યો છે.