મંદાકિની બની ગંગા 2.0

14 July, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૧ વર્ષ પહેલાં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીની પહાડી યુવતી ગંગાની વેશભૂષામાં જોવા મળી

મંદાકિની બની ગંગા 2.0

૪૧ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી મંદાકિની ઘણાં વર્ષોથી અભિનયથી દૂર છે, પણ તે સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે. હાલમાં મંદાકિની મનાલી ફરવા ગઈ હતી અને ત્યાં તેણે પરંપરાગત હિમાચલી વેશભૂષા પહેરીને પોતાની ડેબ્યુ ફિલ્મમાં ભજવેલા ગંગાના પાત્ર જેવો પહાડી યુવતીનો લુક ટ્રાય કર્યો હતો. 
મંદાકિનીએ આ લુકની તસવીરો શૅર કરીને લખ્યું હતું કે ‘પહાડોમાં એક અલગ જ પ્રકારની ખુશી હોય છે. ચીડનાં વૃક્ષોની સરસરાહટ, ઠંડી હવાનો સ્પર્શ અને કુદરતની સદાબહાર સુંદરતામાં મળતી શાંતિ મનને અદ્ભુત આનંદ આપે છે. મનાલીમાં દરેક સવાર આશીર્વાદ જેવી લાગે છે. દરેક વળાંક ધરાવતો રસ્તો એક નવી વાર્તા કહે છે અને દરેક ક્ષણ મને થોભીને જીવનને સાચા અર્થમાં જીવવાનો અહેસાસ કરાવે છે. કેટલીક યાત્રાઓ માત્ર સુંદર સ્થળો સુધી જ નથી લઈ જતી, આપણો પોતાની સાથે પણ મેળાપ કરાવે છે. અહીંનું દરેક દૃશ્ય મારા હૃદયને કૃતજ્ઞતાની લાગણીથી ભરી દે છે. પહાડોની તાજી હવાની દરેક લહેર મનને શાંતિ આપે છે અને દરેક ક્ષણ એવી યાદ બની જાય છે જેને જીવનભર સાચવી રાખવાનું મન થાય.’
મંદાકિનીએ ૧૯૯૬માં ફિલ્મી દુનિયામાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ તેણે બૌદ્ધ સંત ડૉ. કાગ્યુર ટી. રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. હાલમાં તે મુંબઈમાં એક હર્બલ સેન્ટર ચલાવે છે અને યોગ પણ શીખવે છે. તે છેલ્લાં ૩૦ જેટલાં વર્ષથી અભિનયથી દૂર છે.

mandakini indian films bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips entertainment news bollywood