18 August, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા કોઈરાલા
મનીષા કોઇરાલાને ૨૦૧૨માં ચોથા સ્ટેજનું ઓવેરિયન કૅન્સર થયું હતું, ત્યાર બાદ ન્યુ યૉર્કમાં તેની સર્જરી કરવામાં આવી હતી અને કીમોથેરપી ચાલી હતી. મનીષા આ સમય વિશે અનેક વખત વાત કરી ચૂકી છે. હવે એક ઇન્ટરવ્યુમાં તેણે કૅન્સર વિશે જાણ થયા બાદ અનુભવેલાં દર્દ અને એકલતા વિશે વાત કરી છે.
મનીષાએ જણાવ્યું કે જ્યારે તેને કૅન્સર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તે નેપાલની નૉર્વિક ઇન્ટરનૅશનલ હૉસ્પિટલમાં હતી. પોતાના આ અનુભવ વિશે વાત કરતાં મનીષાએ કહ્યું હતું કે ‘હું હૉસ્પિટલમાં હતી અને મને જણાવવામાં આવ્યું કે મને કૅન્સર છે. એ રાત મારા માટે સૌથી એકલી અને સૌથી લાંબી રાત હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે બધું જ અંધકારમાં ડૂબી ગયું હોય. મને લાગ્યું કે હું મરવાની છું. એ ક્ષણે સ્થિતિ ખૂબ જ ડરામણી અને અંધકારમય હતી. ખૂબ જ વધારે એકલતા અનુભવાતી હતી. મેં ઘણી વખત એકલતા અનુભવી છે. કૅન્સર દરમ્યાન મને સમજાયું કે એક દરદી કેટલી એકલતા અનુભવી શકે છે. એ સૌથી ભયાનક અને પીડાદાયક સમય હતો. એવો સમય આવે છે જ્યારે તમે એકલતા અનુભવો છો. આ જીવનનો એક ભાગ છે. ક્યારેક તમે એની સાથે સહજ પણ થઈ જાઓ છો. ભીડમાં પણ ક્યારેક તમે એકલતા અનુભવો છો. જ્યારે હું બૉલીવુડની પાર્ટીઓમાં જાઉં છું ત્યારે લોકો સાથે હળવા-મળવાનો પ્રયાસ કરું છું પણ એવું થઈ શકતું નથી. તમે ત્યાં રહેવા તો માગો છો પણ એકલતા અનુભવાય છે.’
રવિવારે મનીષા કોઇરાલાની ૫૬મી વર્ષગાંઠ હતી અને તેણે મમ્મી-પપ્પા, મિત્રો અને સ્વજનો સાથે બહુ સારી રીતે આ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. મનીષાએ આ ઉજવણીની ઝલક ફૅન્સ સાથે શૅર કરી હતી. આ તસવીરોમાં મનીષા બ્લુ ડેનિમ જીન્સ અને ઑફ-વાઇટ શર્ટમાં સ્ટાઇલિશ લાગી રહી હતી અને તેની ઉંમરની અસર તેમના લુક પર જરાય જોવા મળી રહી નથી.
આ દિવસે મનીષાનાં મમ્મી-પપ્પાએ તેના માટે સ્પેશ્યલ પાર્ટીનું આયોજન કર્યું હતું.