11 February, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઘૂસખોર પંડત’માં મનોજ બાજપાઈ
નીરજ પાંડેની મનોજ બાજપાઈની નેટફ્લિક્સ પર આવનારી આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકોએ આ ટાઇટલને બ્રાહ્મણ સમાજનું અપમાન ગણાવ્યું છે. વિવાદ વધતાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉયીઝ (FWICE)એ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ડિમાન્ડ કરી હતી. હવે આ સમગ્ર વિવાદ વચ્ચે ફિલ્મનું નામ બદલવાની વાત આવી છે.
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘ઘૂસખોર પંડત’ના મેકર્સે દિલ્હી હાઈ કોર્ટમાં શપથપત્ર દાખલ કરીને જાણ કરી છે કે મેં ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લઈ લીધો છે. ફિલ્મના નામને લઈને નોંધાયેલી અનેક પોલીસ-ફરિયાદ, સોશ્યલ મીડિયા પર વધતા દબાણ અને દેશભરમાં પ્રતિબંધની ડિમાન્ડ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ટાઇટલ સામે મોટા પાયે વિવાદ થતાં FWICEએ પણ ફિલ્મના ટાઇટલ પર કડક વલણ અપનાવ્યું હતું. સંગઠનનું કહેવું છે કે આ પ્રકારના નામથી સમાજમાં સામાજિક સદ્ભાવ અને એકતાનો ભંગ થવાની શક્યતા છે. સંગઠને OTT પ્લૅટફૉર્મ્સને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે FWICE અને એની સાથે જોડાયેલાં તમામ સંગઠનો આ ફિલ્મના ટાઇટલનો કડક વિરોધ કરે છે, કારણ કે એ એક ખાસ સમુદાય અને એની પરંપરાગત આજીવિકાને અપમાનજનક રીતે નિશાન બનાવતું જણાય છે. આ પત્રમાં સંગઠને સ્પષ્ટ કહ્યું હતું કે જો નીરજ પાંડે યોગ્ય પગલાં નહીં લે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.