29 October, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપેયી
બૉલીવુડમાં પ્રતિભાશાળી ઍક્ટર ગણાતા મનોજ બાજપેયીએ હાલમાં બૉલીવુડની કામ કરવાની શૈલીની આકરી ટીકા કરીને કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીએ અનેક પ્રતિભાશાળી કલાકારોને યોગ્ય તકો ન આપીને તેમની પ્રતિભા વેડફી નાખી છે અને એ આ ઇન્ડસ્ટ્રીનાં ‘ખરાબ કર્મો’ છે. પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરતાં તેણે કહ્યું કે અત્યાર સુધી તેની અભિનયપ્રતિભાનો માત્ર પચીસ ટકા જ ઉપયોગ થયો છે.
બૉલીવુડની કામ કરવાની સ્ટાઇલ વિશે વાત કરતાં મનોજે કહ્યું હતું કે ‘હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનેક ઉત્તમ કલાકારોને એક જ પ્રકારની ઇમેજમાં બાંધી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. આવું કરીને આપણે ઘણી ઉત્તમ પ્રતિભાઓને વેડફી નાખી છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે આ ઇન્ડસ્ટ્રીની બદનામી છે અને આવા મહાન કલાકારોની પ્રતિભા બરબાદ કરવાનું ખરાબ કર્મ એના માથે છે. સેટ પર તેમને મહત્ત્વ ન આપીને, તેમની ભૂમિકાઓને મર્યાદિત રાખીને અને તેમની સાથે ખરાબ વર્તન કરીને તેમની કારકિર્દી ખતમ કરી નાખવામાં આવી છે. ઘણા કલાકારો તો કોઈ ઓળખ મળ્યા વિના જ ગુમનામીમાં ખોવાઈ ગયા છે.’
પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરતાં મનોજે કહ્યું હતું કે ‘હું હંમેશાં માનતો આવ્યો છું કે મારી અભિનયક્ષમતાનો માત્ર પચીસ ટકા જ ઉપયોગ થયો છે. હજી ઘણું બાકી છે. જોકે મને લાગે છે કે આ એક કલાકારની મહત્ત્વાકાંક્ષા કે તેની ભૂખ છે. મને ખુશી છે કે મારી અંદર હજી પણ કંઈક કરી બતાવવાની ઇચ્છા હજી બાકી છે.’