26 October, 2026 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવાદનો વીડિયો વાયરલ થયો હતો
મિકા સિંહની ટીમે નિવેદનમાં જણાવ્યું હતું હતું કે ‘સુબોધ ઉનિયાલજીએ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને ટેલિફોન પર વાતચીત દરમ્યાન દલેર મેહંદી પાજીની માફી માગી છે, એ બદલ અમે તેમની પ્રશંસા કરીએ છીએ. કલાકારો અને તેમની ગરિમાનું સન્માન કરવું અત્યંત મહત્ત્વનું છે. દલેર પાજી વરિષ્ઠ કલાકાર છે અને તેમણે સંગીતજગતમાં મોટું યોગદાન આપ્યું છે. દરેક કલાકાર સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. અમને આશા છે કે હવે આ મામલાને પાછળ છોડીને સૌ પરસ્પર સન્માન અને સમજણ સાથે આગળ વધી શકશે.’
આ વિવાદની શરૂઆત ઉત્તરાખંડમાં યોજાયેલા કુંજાપુરી મેળા દરમ્યાન દલેર મેહંદીના કાર્યક્રમને અટકાવી દેવામાં આવતાં થઈ હતી. નવરાત્રિ દરમ્યાન યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન સુબોધ ઉનિયાલે દલેર મેહંદીનો કાર્યક્રમ અટકાવ્યો હતો. પ્રધાને દલેર મેહંદી પર દારૂના નશામાં હોવાનો અને ગીતો પર માત્ર હોઠ હલાવીને ગાવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનાને પગલે દલેર મેહંદીના નાના ભાઈ મિકા સિંહે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે મારા મોટા ભાઈ ક્યારેય દારૂ પીતા નથી. હવે સુબોધ ઉનિયાલે દલેર મેહંદીની માફી માગતાં આ વિવાદનો અંત આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.