અમે અલગ થવાનો નિર્ણય લીધો છે

15 May, 2026 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૌની રૉય અને સૂરજ નામ્બિયારે સોશ્યલ મીડિયામાં સંયુક્ત નિવેદન જાહેર કરીને આખરે સંબંધોની હકીકત જણાવી

મૌની રૉય અને સૂરજ નામ્બિયારે જાન્યુઆરી ૨૦૨૨માં ગોવા ખાતે લગ્ન કર્યા હતા

મૌની રૉય અને તેના પતિ સૂરજ નામ્બિયારની રિલેશનશિપ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે બન્નેનું ચાર વર્ષનું લગ્નજીવન ખોરંભે ચડ્યું છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્નેએ ડિવૉર્સ લઈ લીધા છે. હવે આ સંજોગોમાં મૌની અન સૂરજે સાથે મળીને એક જાહેર નિવેદન બહાર પાડ્યું છે અને સમગ્ર મામલે પોતાની વાત સ્પષ્ટ કરી છે. આ નિવેદનમાં બન્નેએ જણાવ્યું છે કે તેમણે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

આ સંયુક્ત નિવેદનમાં મૌની અને સૂરજે કહ્યું છે, ‘અમારી ખાનગી જિંદગીમાં મીડિયાના કેટલાક હિસ્સા દ્વારા કરવામાં આવી રહેલી બિનજરૂરી દખલને લઈને અમે ખૂબ નિરાશા વ્યક્ત કરીએ છીએ. અમે જણાવવા માગીએ છીએ કે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ પરિસ્થિતિ સાથે જોડાયેલા મુદ્દાઓને ખાનગી અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે જરૂરી સમય લઈ રહ્યાં છીએ. અમારી ખાનગી જિંદગીને સનસનાટીભરી બનાવવા માટે કલ્પિત વાર્તાઓ અને ખોટા દાવાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અમારા સંબંધોની વાસ્તવિકતા દર્શાવતા નથી. બદલાતી વ્યક્તિગત પ્રાથમિકતાઓ અંગે ગંભીરતાથી વિચાર કર્યા બાદ અમે પરસ્પર સન્માન અને સમજદારી સાથે અલગ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે. હાલમાં અમે આ સમયને સમજદારીપૂર્વક અને ખાનગી રીતે સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આગામી સમયમાં પણ અમે અમારી મિત્રતાને જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. આ સમયમાં આપના સમર્થન તેમ જ અમારી પ્રાઇવસીનું માન રાખવા બદલ અને સમજ માટે અમે દિલથી આભારી છીએ.’

mouni roy celebrity divorce relationships entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips