15 November, 2025 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભત્રીજી આલિયા ભટ્ટનાં લગ્નમાં આમંત્રણ ન મળ્યું હોવાની મુકેશ ભટ્ટની ફરિયાદ
ફિલ્મમેકર મહેશ ભટ્ટના ભાઈ અને આલિયા ભટ્ટના કાકા મુકેશ ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમને ભત્રીજી આલિયા ભટ્ટનાં લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને તેમણે હજી સુધી આલિયાની દીકરી રાહાનો ચહેરો પણ નથી જોયો.
પોતાની લાગણી વ્યક્ત કરતાં મુકેશ ભટ્ટે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને આલિયાનાં લગ્નમાં આમંત્રણ ન મળવાથી દુઃખ થયું કારણ કે હું તેને બહુ પ્રેમ કરું છું. હું આલિયાને મારી દીકરી જ સમજું છું એટલે હું તેનાં લગ્નમાં હાજર રહેવા ઇચ્છતો હતો. મને આલિયાનાં લગ્નનું આમંત્રણ ન મળ્યું હોવા છતાં મારો આલિયા માટેનો પ્રેમ યથાવત્ છે. હું હજી પણ આલિયા અને શાહીન બન્નેને બહુ પ્રેમ કરું છું.’
આલિયા સાથેના સંબંધ વિશે વાત કરતાં મુકેશ ભટ્ટે કહ્યું હતું કે ‘આલિયાની દીકરી રાહા ત્રણ વર્ષની થઈ ગઈ છે પણ મેં હજી સુધી તેનો ચહેરો નથી જોયો. મને જ્યારે ખબર પડી કે આલિયાએ એક દીકરીને જન્મ આપ્યો છે ત્યારે હું આલિયાને મળવા માગતો હતો કારણ કે મને બાળકો બહુ ગમે છે. જોકે મેં આલિયાનો સંપર્ક નહોતો કર્યો કારણ કે મને ડર હતો કે આલિયા તેના પિતા મહેશ ભટ્ટ શું ધારશે એવું વિચારીને અપસેટ થઈ જશે.’
મુકેશ ભટ્ટ અને તેમના ભાઈ મહેશ ભટ્ટે ૧૯૮૭માં પોતાની પ્રોડક્શન કંપની ‘વિશેષ ફિલ્મ્સ’ શરૂ કરી. આ કંપનીનું નામ મુકેશ ભટ્ટના પુત્ર વિશેષ ભટ્ટ પરથી પડ્યું હતું. આ બૅનર હેઠળ તેમણે અનેક હિટ ફિલ્મો બનાવી છે. જોકે સમય જતાં બન્ને વચ્ચે મતભેદ થયો અને તેમણે 2021માં અલગ થવાનો નિર્ણય લીધો.