20 April, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ ખન્ના
રણવીર સિંહને ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીમાં જબરદસ્ત સફળતા મળી છે. જોકે આ સફળતા પછી પણ મુકેશ ખન્નાએ કહ્યું છે કે તે રણવીરને ‘શક્તિમાન’ના રોલમાં કાસ્ટ કરવાના પક્ષમાં નથી. મુકેશ ખન્નાએ કહ્યું કે હું ઇચ્છું છું કે ‘શક્તિમાન’ માટે નવો ચહેરો પસંદ કરવામાં આવે જેમાં સાદગીની ઝલક હોય અને એ માટે હું આખા દેશમાં ઑડિશન લેવા તૈયાર છું.
મુકેશ ખન્નાએ ‘શક્તિમાન’ માટે રણવીરની પસંદગી ન કરવાનું કારણ જણાવતાં કહ્યું કે ‘રણવીર શાનદાર ઍક્ટર છે અને અલગ-અલગ પાત્રો ભજવવાની ક્ષમતા ધરાવે છે. જોકે શક્તિમાનનું પાત્ર માત્ર ઍક્ટિંગથી નહીં, પરંતુ પર્સનાલિટી અને ઇમેજ સાથે પણ જોડાયેલું છે. મારા આ આગ્રહને કારણે મને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ શોના રાઇટ્સ માટે સોની મને કરોડો રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ કાસ્ટિંગ સાથે હું સંમત નથી. હું માનું છે કે પહેલાંથી ઇમેજ ધરાવતો ઍક્ટર શક્તિમાન જેવા પાત્ર માટે યોગ્ય નથી, કારણ કે આ ભૂમિકામાં સાદગી અને નૈતિકતાની અલગ ઓળખ હોવી જોઈએ.’