25 May, 2025 10:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મુકુલ દેવ
‘સન ઑફ સરદાર’, ‘જય હો’, ‘આર રાજકુમાર’ જેવી ફિલ્મોમાં દેખાયેલો ઍક્ટર મુકુલ દેવ ૫૪ વર્ષની ઉંમરે અવસાન પામ્યો છે. ઍક્ટર-મૉડલ રાહુલ દેવનો નાનો ભાઈ મુકુલ છેલ્લા થોડા દિવસથી ઠીક નહોતો અને ICUમાં હતો એવું કહેવાય છે. તેણે શુક્રવારે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા હતા. મુકુલ ‘સન ઑફ સરદાર 2’માં કામ કરી રહ્યો હતો.
મુકુલના ખાસ મિત્ર વિન્દુ દારા સિંહે કહ્યું હતું કે મમ્મીના મૃત્યુ પછી તે ડિપ્રેસ થઈ ગયો હતો અને એને પગલે ઘણી વાર તે એકલતામાં સરી પડીને દારૂ પીવા માંડ્યો હતો, તેને રોકવાવાળું કોઈ નહોતું.
મુકુલ ઍક્ટર બન્યો એ પહેલાં તે કમર્શિયલ પાઇલટ હતો. તેણે ૧૯૯૬માં ‘મુમકિન’થી ટીવીમાં અને ૧૯૯૬માં જ સુસ્મિતા સેન સાથેની ‘દસ્તક’થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત ‘દસ્તક’ સુસ્મિતાની સૌપ્રથમ ફિલ્મ હતી અને મુકુલ એમાં હીરો હતો.
મુકુલ દેવના ૨૦૦૫માં ડિવૉર્સ થઈ ગયા હતા. તેને સિયા નામની દીકરી છે જે અત્યારે બાવીસ વર્ષની છે.