13 July, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરાહ ખાન અલી
૧૯૭૮માં પરિણીત સંજય ખાન અને ઝીનત અમાનનાં લગ્ન ચર્ચાનો મુદ્દો બન્યાં હતાં અને એવા સમાચાર હતા કે કોઈ મુદ્દે વિવાદ થતાં સંજય ખાને એક તબક્કે ઝીનતને જોરથી થપ્પડ મારી હતી જેના કારણે તેની આંખમાં ઈજા થઈ હતી. હવે સંજય ખાનની દીકરી ફરાહ ખાન અલીએ આ વાતને ખોટી ગણાવી છે.
ફરાહે પપ્પા સંજય ખાન અને ઝીનત અમાનના સંબંધો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘એ સમયે હું ખૂબ નાની હતી, તેથી મને બહુ કંઈ યાદ નથી. હું ત્યારે લગભગ ૯થી ૧૦ વર્ષની હતી. હું માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે સોશ્યલ મીડિયા પર મારા પપ્પાએ ઝીનત અમાનને માર માર્યો હતો અને તેની આંખમાં ઈજા થઈ હતી એવી જે વારંવાર ખોટી વાર્તા ફેલાવવામાં આવે છે એ સંપૂર્ણ બકવાસ છે. મારા પપ્પાએ ક્યારેય મારી મમ્મી કે કોઈ પણ દીકરી પર હાથ ઉઠાવ્યો નથી. તે એવા હિંસક વ્યક્તિ નથી કે કોઈ મહિલા પર હાથ ઉઠાવે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મારી મમ્મીએ મને કહ્યું હતું કે મિસ અમાનની માતાને આંખની બીમારી હતી. તેમની એક આંખ નાની પણ હતી. આમ મિસ અમાનને જે સમસ્યા હતી એ આનુવંશિક હતી.’
ફરાહે પપ્પા સંજય ખાન અને ઝીનતનાં લગ્નની પુષ્ટિ કરતાં કહ્યું, ‘હા, એ સમયે તેમણે લગ્ન કર્યાં હતાં. લગ્ન મુસ્લિમ રીત-રિવાજ મુજબ થયાં હતાં અને તેમના છૂટાછેડા પણ મુસ્લિમ પરંપરા મુજબ જ થયા હતા. મેં મારા પપ્પાને આ વિશે ક્યારેય પૂછ્યું નથી, કારણ કે મને એની જરૂરિયાત લાગી નહોતી. મારી મમ્મીએ તેમને માફ કરી દીધા હતા અને જીવનમાં આગળ વધી ગયા હતા.’