મારી મમ્મી હંમેશાં સ્ટાર હતાં અને રહેશે: બમન ઈરાની

11 June, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બમન ઈરાનીનાં મમ્મી જેરબાનોનું બુધવારે સવારે નીંદરમાં જ અવસાન થયું છે

બમન ઈરાની અને તેમની માતા

બમન ઈરાનીનાં મમ્મી જેરબાનોનું બુધવારે સવારે નીંદરમાં જ અવસાન થયું છે. તેઓ ૯૪ વર્ષનાં હતાં. તેમના નિધનના સમાચાર મળતાં સૌકોઈ શોક વ્યક્ત કરી રહ્યા છે. મમ્મીને યાદ કરીને બમન ઈરાની પણ ભાવુક થઈ ગયા હતા. મમ્મીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બમન ઈરાનીએ કૅપ્શન આપી હતી કે ‘મધર ઈરાનીનું શાંતિપૂર્વક નીંદરમાં જ સવારે નિધન થયું છે. જેર ૯૪ વર્ષનાં હતાં. તેઓ જ્યારે ૩૨ વર્ષનાં હતાં ત્યારે તેમણે માતા અને પિતા બન્નેની ભૂમિકા ભજવી હતી. તેઓ અવર્ણનીય વ્યક્તિ હતાં. તેમની સ્ટોરીઝ ખૂબ મજેદાર રહેતી જે ફક્ત તેઓ જ કહી શકતાં હતાં. તેમના લાંબા હાથ હંમેશાં તેમના પૉકેટમાં કંઈક શોધતા રહેતા હતા. ભલે પછી એમાં કંઈ ન પણ હોય. તેઓ જ્યારે મને ફિલ્મો જોવા મોકલતાં તો એક વાતની ખાતરી કરતાં કે કમ્પાઉન્ડનાં અન્ય બાળકો પણ મારી સાથે આવે. તે હંમેશાં કહેતી કે પૉપકૉર્ન ભૂલતો નહીં. તેને ફૂડ અને ગીતો પસંદ હતાં. સાથે જ તે એક જ ફ્લૅશમાં વિકીપિડીયા અને IMDbને ચેક કરી લેતાં હતાં. તેમના અંતિમ દિવસો સુધી તેમની યાદશક્તિ અતિશય તેજ હતી. તેઓ હંમેશાં મને કહેતાં કે ‘લોકો તારી પ્રશંસા કરે એ માટે તને ઍક્ટર નથી બનાવ્યો. તું માત્ર લોકોને હસાવવા માટે ઍક્ટર બન્યો છે. લોકોને ખુશ રાખ.’ ગઈ કાલે રાતે તેમણે મારી પાસે મલાઈ કુલ્ફી અને કેરી માગી હતી. તેમની ઇચ્છા હોત તો તેઓ ચાંદ અને સિતારાઓ પણ માગી શક્યાં હોત. તેઓ હંમેશાં સ્ટાર હતાં અને રહેશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips boman irani