27 November, 2025 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માયાસભા
તુમ્બાડ ફિલ્મના ડિરેક્ટર રાહી અનિલ બર્વે તેમની ફિલ્મ ‘માયાસભા’ સાથે કમબૅક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ લગભગ એક દાયકા સુધી ચાલેલી ક્રિએટિવ પ્રક્રિયાનું પરિણમ છે જે બર્વેના કમબૅકને ચિન્હિત કરશે. આ સિનેમેટિક યાત્રાએ ફિલ્મને એક અનોખો સ્વર અને સ્વરૂપ આપ્યું છે. માયાસભા તુમ્બાડથી સંપૂર્ણપણે અલગ હશે અને દર્શકોએ જોયેલી અન્ય કોઈપણ ફિલ્મથી વિપરીત હશે. આ ફિલ્મમાં, ચાર પાત્રો અને દર્શકો એકસાથે પ્રવાસ શરૂ કરશે. જેમ જેમ ફિલ્મની વાર્તા આગળ વધે છે, તેમ તેમ પાત્રોના અનુભવો અને દર્શકોના અનુભવો અલગ પડે છે. જ્યારે પાત્રો વાર્તામાં સત્ય શોધે છે, ત્યારે દર્શકોને અન્ય સત્યો બતાવવામાં આવે છે જે પાત્રો જોઈ શકતા નથી અને જાણતા પણ નથી. જોકે, ફિલ્મ દર્શકોને પાત્રો સાથે ભાવનાત્મક રીતે જોડી રાખશે, એવી આશા છે.
આ ફિલ્મનો ક્લાઇમેક્સ ખૂબ જ અલગ અને જોખમી હશે. બર્વેએ પરંપરાગત રહસ્યમય થ્રિલર્સ ફિલ્મોના નિયમો તોડી નાખ્યા છે, એક ક્યારેય ન જોયેલો અંત પસંદ કર્યો છે. દિગ્દર્શક રાહી અનિલ બર્વે ફિલ્મ બાબતે કહે છે કે માયાસભા તેમનું બહુપ્રતિક્ષિત કમબૅક છે. બર્વે ફરી એકવાર ફિલ્મમાં પૌરાણિક કથા, રહસ્ય અને મનોવૈજ્ઞાનિક ઊંડાણનો સમાવેશ કરીને એક નવો અનુભવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બર્વેએ જણાવ્યુ કે છે, "માયાસભા એક એવી સફર છે જે છુપાયેલા સત્યો અને શક્તિશાળી માળખા તરફ દોરી જાય છે. આ ફિલ્મ પ્રતીકવાદ અને સસ્પેન્શન વચ્ચે એક નવી દિશામાં આગળ વધે છે." આ ફિલ્મ ઝિર્કોન ફિલ્મ્સ દ્વારા સહિત ગિરીશ પટેલ અને અંકુર જે. સિંહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે એ શામરાવ ભગવાન યાદવ, ચંદા શામરાવ યાદવ, કેવલ હાંડા અને મનીષ હાંડા દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે. માયાસભા આગામી વર્ષની સૌથી રસપ્રદ અને સસ્પેન્સફુલ ફિલ્મોમાંની એક હોઈ શકે છે, એવી આશા મેકર્સએ વ્યક્ત કરી છે. આ ફિલ્મ માટે દર્શકોની પ્રતીક્ષા શરૂ થઈ ગઈ છે. માયાસભા ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારી છે.
કાર્તિક આર્યન કરશે કરણ જોહર સાથે તેની ત્રીજી ફિલ્મ
કાર્તિક આર્યન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે. એ પછી કાર્તિક અને કરણ બન્ને ‘નાગઝિલા’માં સાથે કામ કરી રહ્યા છે અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે કાર્તિક અને કરણ સાથે મળીને ત્રીજી ફિલ્મ કરવા તૈયાર થયા છે. જોકે ફિલ્મની વિગતો હજી ગુપ્ત રાખવામાં આવી છે. ધર્મા પ્રોડક્શન માટે કાર્તિક હવે નવો પોસ્ટરબૉય બની ગયો છે. કાર્તિક અને કરણના આ ત્રીજા મેગા પ્રોજેક્ટનું શૂટિંગ ‘નાગઝિલા’ આવતા વર્ષે ઑગસ્ટમાં રિલીઝ થયા પછી તરત જ શરૂ થઈ જશે.