✕

નાના પાટેકર ફિલ્મ સાઇન કરતાં પહેલાં કડક રીતે પાળતા ચાર નિયમ

09 October, 2026 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ દાયકાની પોતાની શાનદાર ફિલ્મી કારકિર્દીમાં નાના પાટેકરે ક્યારેય માત્ર પડદા પર દેખાવા કે ભારેભરખમ ફી વસૂલવા માટે ફિલ્મો સાઇન કરી નહોતી

ફાઇલ તસવીર

ભારતીય સિનેમામાં એવા કલાકારો આંગળીને વેઢે ગણી શકાય જેમણે ક્યારેય સ્ટારડમની ચમક-દમક સામે પોતાની કળા સાથે સમાધાન કર્યું નથી. નાના પાટેકરનો સમાવેશ આવા કલાકારોમાં થતો હતો. પાંચ દાયકાની પોતાની શાનદાર ફિલ્મી કારકિર્દીમાં નાના પાટેકરે ક્યારેય માત્ર પડદા પર દેખાવા કે ભારેભરખમ ફી વસૂલવા માટે ફિલ્મો સાઇન કરી નહોતી. તેમની ફિલ્મોની યાદી ભલે બહુ લાંબી ન રહી હોય, પણ તેઓ જે પણ પાત્રમાં ઊતર્યા, એને ઇતિહાસ બનાવી દીધું. તેમણે એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ પસંદ કરવાના અને સાઇન કરવાના ચાર કડક નિયમોની વાત કરી હતી.

હૃદયસ્પર્શી વાર્તા

નાના પાટેકરનો પહેલો અને સૌથી મૂળભૂત સિદ્ધાંત એ હતો કે જ્યારે કોઈ લેખક કે દિગ્દર્શક તેમની પાસે વાર્તા સંભળાવવા આવતો ત્યારે તેઓ સામાન્ય માણસ બની જતા. નાના પાટેકરે કહ્યું હતું કે ‘હું જ્યારે વાર્તા સાંભળું છું ત્યારે નાના પાટેકર એક અભિનેતા તરીકે નથી સાંભળતો. હું એક સામાન્ય માણસ બનીને, થિયેટરમાં બેસતા સામાન્ય દર્શકની જેમ સાંભળું છું. જો એ વાર્તા એક સામાન્ય માણસ તરીકે મારા દિલને સ્પર્શે, મને હસાવે કે રડાવે તો જ હું આગળ વાત કરું છું. જો વાર્તામાં દમ ન હોય તો કોઈ પણ સ્ટારડમ એને બચાવી શકતું નથી.’

દિગ્દર્શકની દૃષ્ટિ

વાર્તા પસંદ આવ્યા બાદ નાના પાટેકરની બીજી કસોટી ફિલ્મના ‘કૅપ્ટન’ એટલે કે દિગ્દર્શકની હતી. નાના હંમેશાં એ તપાસતા હતા કે જેણે આ વાર્તા વિચારી છે અથવા જે તેનું દિગ્દર્શન કરવાનો છે શું તેની પાસે આ લાગણીને પડદા પર ઉતારવાની દૃષ્ટિ છે? શું તે આ વાર્તા સાથે સંપૂર્ણ ન્યાય કરી શકશે? નાના માનતા હતા કે નબળો ડિરેક્ટર સારીમાં સારી પટકથાની હત્યા કરી શકે છે તેથી દિગ્દર્શકની દાનત અને તેની કળા પર વિશ્વાસ હોવો તેમના માટે અત્યંત જરૂરી હતો.

સહકલાકારો અને ટીમની તાકાત

નાના પાટેકર ક્યારેય ‘વન-મૅન શો’માં માનતા નહોતા. તેમનો ત્રીજો નિયમ એ હતો કે તેઓ જોતા હતા કે તેમની સાથે કયા કલાકારો કામ કરી રહ્યા છે. તેઓ ઘણી વાર કહેતા હતા કે મૅચ જીતવા માટે માત્ર એક ખેલાડીની સદી પૂરતી નથી, છેલ્લી બે ઓવરમાં જે ખેલાડી ચોગ્ગા-છગ્ગા ફટકારીને ૧૦-૧૫ રન ઉમેરે છે તે પણ એટલો જ મહત્ત્વનો હોય છે. નાના હંમેશાં સહકલાકારોની પ્રતિભા અને તેમના સમર્પણને મહત્ત્વ આપતા હતા કારણ કે તેમનું માનવું હતું કે સામેનો અભિનેતા દમદાર હશે તો જ અભિનયમાં અસલી ચમક આવશે.

પૈસા સૌથી છેલ્લો મુદ્દો

આજના સમયમાં જ્યાં ઘણા કલાકારો પટકથા પહેલાં પોતાની ફી, વૅનિટી વૅન અને લક્ઝરીની માગણી સામે રાખે છે ત્યારે નાના પાટેકર માટે પૈસા હંમેશાં ચોથા અને સૌથી નીચલા સ્થાને રહ્યા હતા. નાના પાટેકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, ‘ચોથી વાત આવે છે કે મને પૈસા મળશે કે નહીં. મારા માટે આ હંમેશાં સૌથી છેલ્લી વાત રહી છે. જો ઉપરની ત્રણેય શરતો પૂરી થતી હોય અને કામમાં ઈમાનદારી હોય તો પૈસા ઓછા હોય કે મોડા મળે તો પણ મને કોઈ ફરક પડતો નથી.’

nana patekar celebrity death entertainment news bollywood bollywood news