✕

જો જીવન માત્ર પોતાનાં બાળકો, પત્ની અને ઘર સુધી સીમિત રહી જાય તો પછી જીવનનો વ્યાપ પણ એટલો જ સીમિત રહી જાય છે

09 October, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથી ઑક્ટોબરે ગોવા ટૂરિઝમના એક કાર્યક્રમમાં નાના પાટેકરે જીવનની ફિલસૂફી વ્યક્ત કરીને ગણતરીના દિવસોમાં લીધી અણધારી ઍક્ઝિટ

ગોવા ટૂરિઝમના એક કાર્યક્રમમાં નાના પાટેકર

નાના પાટેકરના ઓચિંતા અવસાન પછી હજી ચોથી ઑક્ટોબરે ગોવા ટૂરિઝમના એક કાર્યક્રમમાં આપેલું તેમનું ભાષણ ચર્ચામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાના પાટેકરે ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પોતાના નજીકના મિત્ર મનોહર પર્રિકરને યાદ કરતાં જીવનને લઈને પોતાની વિચારધારા વ્યક્ત કરી હતી. નાના પાટેકરે કહ્યું હતું કે જીવનનો અંત સૌનો નિશ્ચિત છે, જવાનું તો બધાએ છે પણ એ પહેલાં માણસે ચોક્કસ વિચારવું જોઈએ કે તેણે જીવન કેવી રીતે જીવવું છે.

નાના પાટેકરે પોતાના વક્તવ્યમાં મનોહર પર્રિકરને પોતાના મિત્ર ગણાવીને કહ્યું હતું કે ‘મનોહર પર્રિકર મારા મિત્ર હતા. આવા મિત્ર હોવા પર ગર્વ થવો જોઈએ. પર્રિકર મારાથી ઉંમરમાં નાના હતા, પણ તેમનું વ્યક્તિત્વ અને તેમનું મોટાપણું એવું હતું કે તેમના તરફ હંમેશાં સન્માનથી જોવું પડતું હતું. ગોવા અને દેશનું એ સૌભાગ્ય હતું કે અહીં આવો માણસ જન્મ્યો, જેણે કંઈક કરવાનું સપનું જોયું અને એને પૂરો કરવાનો પ્રયાસ કર્યો. નાની ઉંમરમાં મનોહર પર્રિકરે ઘણું બધું કર્યું અને ત્યાર બાદ દુનિયાને અલવિદા કહી દીધી.’

પોતાના ભાષણ દરમ્યાન નાના પાટેકરે જીવન અને મૃત્યુ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘કોઈને ખબર નથી કે તે બીજા દિવસે હાજર રહેશે કે નહીં. જવાનું તો બધાએ છે. હું પણ કાલે હોઈશ કે નહીં, કંઈ ખબર નથી. જીવનનો અંત સૌનો નિશ્ચિત છે, જવાનું તો બધાએ છે. દરેક વ્યક્તિના જીવનમાં એ સમય આવવાનો જ છે. દરેક વ્યક્તિએ પોતાને એ સવાલ પૂછવો જોઈએ કે જીવનમાં તેણે જે કરવું હતું, શું તે કરી રહ્યો છે અને શું તેણે એના માટે પ્રયાસ કર્યો છે. જો જીવન માત્ર પોતાનાં બાળકો, પત્ની અને ઘર સુધી સીમિત રહી જાય તો પછી જીવનનો વ્યાપ પણ એટલો જ સીમિત રહી જાય છે.’

nana patekar celebrity death goa entertainment news bollywood bollywood news