09 October, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકરને પદ્મશ્રી મળ્યો તે સમયની તસવીર
નાના પાટેકરે ભલે દુનિયાને અલવિદા કહી દીધી હોય પણ તેમનું કામ હંમેશાં બોલતું રહેશે. પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં પોતાના અદ્ભુત અને પ્રભાવશાળી અભિનયથી અમીટ છાપ છોડનારા આ ઍક્ટરને ત્રણ-ત્રણ વખત સિનેમાનો સર્વોચ્ચ ગણાતો નૅશનલ ફિલ્મ અવૉર્ડ અને પદ્મશ્રી સન્માન એનાયત કરવામાં આવ્યા છે.
૧૯૮૯માં આવેલી ફિલ્મ ‘પરિન્દા’માં અન્ડરવર્લ્ડ ડૉન અણ્ણા શેઠનું આક્રમક પાત્ર ભજવવા બદલ તેમને કારકિર્દીનો પ્રથમ નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આ પુરસ્કાર તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાની કૅટેગરીમાં આપવામાં આવ્યો હતો. આ પછી ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘ક્રાંતિવીર’માં ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લડતા પ્રતાપ નારાયણ તિલકના શક્તિશાળી પાત્ર અને તેમના દમદાર સંવાદો માટે નાના પાટેકરને શ્રેષ્ઠ મુખ્ય અભિનેતાનો પ્રતિષ્ઠિત નૅશનલ અવૉર્ડ એનાયત થયો હતો. ૧૯૯૬માં આવેલી ‘અગ્નિસાક્ષી’માં મનીષા કોઇરાલા સાથે તેમણે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના સાઇકો પ્રકારના અને અત્યંત તીવ્ર નેગેટિવ રોલ માટે તેમને ત્રીજો નૅશનલ એવોર્ડ મળ્યો હતો. આ વખતે પણ તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાની કૅટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકારે ૨૦૧૩માં કલા અને સિનેમા ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ નાના પાટેકરને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. ભારતીય સિનેમામાં તેમના લાંબા સમયના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું હતું.