03 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરદારજી 3માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે દિલજિત દોસાંઝ
હાલમાં દેશમાં દિલજિત દોસાંઝ વિરુદ્ધનું વાતાવરણ છે. હકીકતમાં દિલજિતની ફિલ્મ ‘સરદારજી 3’માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને કાસ્ટ કરવા બદલ તેની ટીકા થઈ રહી છે ત્યારે નસીરુદ્દીન શાહે અભિનેતાને સમર્થન આપતી પોસ્ટ કરી હતી, પણ હવે આ પોસ્ટને કારણે મોટો વિવાદ થયો છે અને ફિલ્મનિર્માતા અશોક પંડિતે આકરી પ્રતિક્રિયા આપી છે. અશોક પંડિતની આ પ્રતિક્રિયા પછી નસીરુદ્દીન શાહની પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે.
નસીરુદ્દીન શાહે પોસ્ટમાં લખ્યું હતું, ‘હું દિલજિત સાથે મજબૂતીથી ઊભો છું. જુમલા પાર્ટીનો ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ તેના પર હુમલો કરવાની તક શોધી રહ્યો હતો. તેમને લાગે છે કે આખરે તેમને તક મળી ગઈ. ફિલ્મના કાસ્ટિંગ માટે તે જવાબદાર નહોતો, ડિરેક્ટર જવાબદાર હતો. જોકે કોઈને ખબર નથી કે ડિરેક્ટર કોણ છે, જ્યારે દિલજિતને આખી દુનિયા ઓળખે છે અને તેણે આ કાસ્ટિંગ માટે હા પાડી કારણ કે તેના મનમાં ઝેર નથી. આ ગુંડાઓ ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેની વ્યક્તિગત વાતચીતને ખતમ કરવા માગે છે.’
હવે આ મામલે અશોક પંડિતે નિવેદન આપતાં કહ્યું છે કે ‘દિલજિત દોસાંઝના મામલે નસીરુદ્દીન શાહે જે કંઈ કહ્યું છે એનાથી અમને આશ્ચર્ય નથી થયું. તેઓ અમને જુમલા પાર્ટી કહે છે. તેઓ અમને ગુંડા કહે છે. ભણેલા અને બહુમુખી અભિનેતા તરીકે ઇન્ડસ્ટ્રીમાં તેમનું સન્માન છે. તે સિનિયર છે પરંતુ અમને ગુંડા કહેવું તેમની નિરાશા અને બેચેની સાબિત કરે છે.’
અશોક પંડિત IFTDA (ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશન)ના પ્રમુખ છે. તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘નસીરુદ્દીન શાહે કહ્યું કે દિલજિત દોસાંઝ ફિલ્મના કાસ્ટિંગ માટે જવાબદાર નહોતો, પરંતુ હું તેમને કહેવા માગું છું કે તે ફિલ્મમાં હીરો હતો. તે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનો ઇનકાર કરી શકતો હતો. મને તો આ વાતનું દુઃખ થઈ રહ્યું છે કે FWICE (ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ)એ તેમને ભારત-પાકિસ્તાનની સ્થિતિ વિશે સમજાવવું પડે છે. છેલ્લાં ૪૦ વર્ષથી પાકિસ્તાન ભારતને ગાળો આપી રહ્યું છે, હુમલા કરી રહ્યું છે, આપણા લોકોને મારી રહ્યું છે, બળાત્કાર કરી રહ્યું છે, આપણા દેશમાં આવીને લોકોનું લોહી વહાવ્યું છે અને આ ફક્ત પહલગામની વાત નથી; એણે આ પહેલાં પુલવામા, ઉરી, ૨૬/૧૧ જેવા ઘણા હુમલા કર્યા છે. એ આના માટે જવાબદાર છે. પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે.’