૭૬ વર્ષની ઉંમરે પણ નિવૃત્તિના મૂડમાં નથી નસીરુદ્દીન શાહ

05 August, 2026 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કારણે જ ક્યારેય લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકારવા માટે તૈયાર નથી થતા

નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ ૭૬ વર્ષની ઉંમરે પણ પોતાની કરીઅરના શાનદાર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’માં તેમના અભિનયને દર્શકો અને વિવેચકો તરફથી જબરદસ્ત પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ઉપરાંત નસીરુદ્દીન શાહને ઍમૅઝૉન MX પ્લેયરની સિરીઝ ‘મેડ ઇન ઇન્ડિયા’માં જે.આર.ડી. તાતાનું પાત્ર ભજવવા બદલ પણ ખૂબ વખાણ મળી રહ્યાં છે. આ સફળતા વચ્ચે અભિનેતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલ તેમનો અભિનયમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ વિચાર નથી અને આ કારણે જ તેઓ ક્યારેય લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકારવા માટે તૈયાર નથી થતા .
શુક્રવારે ‘મૈં વાપસ આઉંગા’ની ટીમે મુંબઈમાં ફિલ્મના ૫૦ દિવસ પૂર્ણ થવાની ખુશીમાં સફળતા-સમારોહ યોજ્યો હતો. આ સમારોહમાં નસીરુદ્દીન શાહે ફિલ્મની સફળતા અને પોતાની કરીઅર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘તાજેતરમાં મને અનેક લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્સ સ્વીકારવા માટે ઑફર કરવામાં આવી હતી પણ મેં એનો ઇનકાર કર્યો હતો. લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડનો અર્થ એ થાય કે તમારું કામ પૂરું થઈ ગયું છે. મારો એવો કોઈ ઇરાદો નથી કે હું હવે બધું સમાપ્ત કરીને ચાલ્યો જાઉં. આ કારણે જ હું આવા અવૉર્ડ્સ સ્વીકારતો નથી. મને નથી લાગતું કે મારું કામ હજુ પૂરું થયું છે.’

naseeruddin shah entertainment news bollywood buzz bollywood controversies bollywood news bollywood gossips BOLLY bollywood