01 October, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: શાદાબ ખાન
યામી ગૌતમની ૧૬ ઑક્ટોબરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘નયી નવેલી’ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે વડાલાના મિરાજ થિયેટર ખાતે લૉન્ચ કરવામાં આવ્યું હતું. ‘આર્ટિકલ 370’ માટે નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ યામી ગૌતમની આ પહેલી મોટી જાહેર ઇવેન્ટ હતી. આ ખાસ પ્રસંગે મેકર્સે યામી ગૌતમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેના સ્વાગત માટે અંદાજે ૨૫૦ તાશા વગાડવામાં આવ્યા હતા.
ફિલ્મમાં યામી ગૌતમ સાથે આદિનાથ કોઠારે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન બાલાજી મોહને કર્યું છે, જ્યારે આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા એના નિર્માતા છે. ટ્રેલરમાં હૉરર અને કૉમેડીનું મિશ્રણ જોવા મળ્યું છે, જેના કારણે ફિલ્મની વાર્તાને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.
‘નયી નવેલી’ એક સુપર નૅચરલ હૉરર-કૉમેડી ફિલ્મ છે, જેમાં ડર અને કૉમેડીનો સંગમ જોવા મળશે. ફિલ્મની વાર્તા મેરઠના એક સંયુક્ત પરિવારની આસપાસ ફરે છે. યામી ગૌતમ ફિલ્મમાં મોહિની નામની સુંદર અને સંસ્કારી નવી વહુની ભૂમિકામાં જોવા મળશે. મોહિનીના ઘરમાં આવ્યા બાદ પરિવારના જીવનમાં બધું સારું થવા લાગે છે. જોકે તેના દિયરને શંકા જાય છે કે આ નવી ભાભી ખરેખર સામાન્ય યુવતી નથી પણ એક ‘ડાકણ’ છે. આ પછી ઘરમાં વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે.