20 January, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહા કક્કડ
સિંગર નેહા કક્કડે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે હું થોડા સમય માટે કામ અને જવાબદારીઓથી દૂર રહેવા માગું છું. જોકે નેહાએ આ પોસ્ટ શૅર કર્યા બાદ થોડી મિનિટમાં જ ડિલીટ કરી નાખી હતી, પરંતુ તેના સ્ક્રીનશૉટ્સ વાઇરલ થઈ ગયા છે. નેહાએ બ્રેક લેવા પાછળનું કારણ ભાવનાત્મક તનાવ, નેગેટિવિટી અને ઇન્ડસ્ટ્રીનું દબાણ હોવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે. નેહાએ આ પહેલાં પણ ૨૦૨૦માં નેપોટિઝમ વિશે ચાલી રહેલી ચર્ચા દરમ્યાન પણ કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.
નેહાએ પોતાની હાલની પોસ્ટમાં કહ્યું છે કે ‘હવે જવાબદારીઓ, સંબંધો, કામ અને એ દરેક બાબતમાંથી બ્રેક લેવાનો સમય આવી ગયો છે, જેના વિશે હું હાલમાં વિચારી શકું છું. મને ખાતરી નથી કે હું પાછી આવીશ કે નહીં. આભાર.’
એ પછી નેહાએ ફોટોગ્રાફર્સ અને ફૅન્સને પણ વિનંતી કરી છે કે તેઓ તેની પ્રાઇવસીનું માન રાખે. નેહાએ વિનંતી કરતાં કહ્યું હતું કે ‘હું ફોટોગ્રાફર્સ અને ફૅન્સને વિનંતી કરું છું કે તેઓ ક્યાંય પણ મારી તસવીરો કે વિડિયો કૅપ્ચર ન કરે. મને આશા છે કે તમે મારી પ્રાઇવસીનું સન્માન કરશો અને મને આ દુનિયામાં સ્વતંત્ર રીતે જીવવા દેશો. કોઈ કૅમેરા નહીં, પ્લીઝ. હું વિનંતી કરું છું.’