ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો મનોરંજનના સમાચાર

26 September, 2021 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર હીરાણી તેમની આગામી ફિલ્મ માટે કૅનેડામાંથી પરમિશન મળે એની રાહ જોઈ રહ્યા છે.

રાજકુમાર હીરાણી

કૅનેડામાં શૂટિંગની પરમિશન મળે એની રાહ જોઈ રહ્યા છે રાજકુમાર હીરાણી

રાજકુમાર હીરાણી તેમની આગામી ફિલ્મ માટે કૅનેડામાંથી પરમિશન મળે એની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનને ગેરકાયદે અપ્રવાસી તરીકે દેખાડવામાં આવશે. આ ફિલ્મનું સ્ક્રીનપ્લે રાજકુમાર હીરાણી અને કનિકા ઢિલ્લને લખ્યું છે. હાલમાં તો શાહરુખ પોતાની તારીખને બરબાદ નથી કરવા માગતો એથી કૅનેડામાંથી પરમિશન મળે એની રાહ જોવાને બદલે તે ‘પઠાણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કોરોનાની સ્થિતિ જોતાં કૅનેડામાંથી ક્યારે મંજૂરી મળે છે એના પર બધું નિર્ભર રાખે છે એથી રાજકુમારની ફિલ્મનું શૂટિંગ હવે ૨૦૨૨માં શરૂ થાય એવી શક્યતા લાગી રહી છે.

પોલીસ-ડ્રામા પર આધારિત વેબ સિરીઝ લઈને આવશે રોહિત શેટ્ટી?

પોલીસ-ડ્રામા પર આધારિત વેબ સિરીઝ લઈને આવશે રોહિત શેટ્ટી?

રોહિત શેટ્ટી હવે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે પોલીસ-ડ્રામા પર આધારિત વેબ-સિરીઝ બનાવવાનો છે એવી ચર્ચા છે. આ માટે વિક્કી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફ સાથે વાતચીત ચાલી રહી હોવાની વાતો બહાર આવી રહી છે. કોપ યુનિવર્સ બનાવવા માટે રોહિત જાણીતો છે. તેણે ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી પોલીસ પર આધારિત ફિલ્મો બનાવી છે. હવે તે વેબ-સિરીઝ પર હાથ અજમાવવાનો છે. એવું કહેવાય છે કે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર એ રિલીઝ કરવામાં આવશે. આ રીતે તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે. સુશવંત પ્રકાશ એને ડિરેક્ટ કરશે. આ સિરીઝના ૮ એપિસોડ્સ હશે. વિક્કી, સિદ્ધાર્થ અને ટાઇગર તેની પહેલી પસંદગી છે. જો ઍક્ટર્સ હામી ભરે તો આ વર્ષે ડિસેમ્બરમાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. જોકે રોહિત તરફથી આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું.

સિનેમાની શરૂઆત

પેન સ્ટુડિયોના ચૅરમૅન ડૉક્ટર જયંતીલાલ ગડા અને રોહિત શેટ્ટી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. તેમની સાથે પેન સ્ટુડિયોના ડિરેક્ટર સંજય ચટર, મલ્ટિપ્લેક્સ અસોસિએશનના પ્રેસિડન્ટ કમલ ગિયાચંદાની, આઇનોક્સ લેસ્યોર લિમિટેડના સીઈઓ આલોક ટંડન અને કાર્નિવલ સિનેમાઝના સીઓઓ કુણાલ સોહ્‍નીએ પણ હાજરી આપી હતી.

‘ફૉરેન્સિક’નું શૂટિંગ પૂરું કર્યું રાધિકાએ

રાધિકા આપ્ટેએ ‘ફૉરેન્સિક’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાન્ત મેસી પણ લીડ રોલમાં છે. ‘ક્રિમિનલ જસ્ટિસ’ના વિશાલ ફુરિયાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. સોહમ રૉકસ્ટાર એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મિની ફિલ્મ્સે એને પ્રોડ્યુસ કરી છે. વિક્રાન્ત સાથેનો ફોટો રાધિકાએ શૅર કર્યો છે. ફોટોમાં રાધિકાના હાથમાં લિપસ્ટિક છે અને વિક્રાન્ત લિપસ્ટિક લગાવીને પાઉટ કરી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાધિકા આપ્ટેએ કૅપ્શન આપી હતી, ‘ઍન્ડ ઇટ્સ ફિલ્મ રૅપ ફૉર મી.’

સિદ્ધાર્થ શુક્લા બાદ ‘લવ સ્કૂલ’માં જોવા મળેલા જગનુર અનેજાનું કાર્ડિઍક અરેસ્ટથી નિધન

એમટીવી પર આવેલા ‘લવ સ્કૂલ’ની પહેલી અને બીજી સીઝનમાં જોવા મળેલા જગનુર અનેજાનું કાર્ડિઍક અરેસ્ટથી અવસાન થયું છે. તે ૪૦ વર્ષનો હતો અને ઇજિપ્તમાં તેનું નિધન થયું છે. જગનુરે ઇજિપ્તમાંથી પોતાની ટ્રિપના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. તેના નિધનના સમાચાર મળતાં તેની ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સને શૉક લાગ્યો છે. હજી તો સિદ્ધાર્થ શુક્લાના અણધાર્યા અવસાનમાંથી લોકો બહાર નથી આવ્યા એવામાં વધુ એક પર્સનાલિટીનું આ રીતે જવું ખરેખર દુખદ છે. સૌકોઈ સોશ્યલ મીડિયામાં તેને માટે શોક-સંદેશ મોકલી રહ્યા છે.

bollywood news entertainment news radhika apte rohit shetty rajkumar hirani