✕

રામાયણમાં રાવણનું સિંહાસન એક કરોડનું અને શૂર્પણખાનો રથ દોઢ કરોડ રૂપિયાનો

06 November, 2026 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રામાયણ’માં જોવા મળનારા વિશાળ પુષ્પક વિમાનનું કામ પણ એટલું જ પડકારજનક હતું. એનો વ્યાસ ૫૦ ફુટ હતો. આટલું મોટું વિમાન સ્ટુડિયોની અંદર એકસાથે તૈયાર કરવું શક્ય ન હોવાથી એને ચાર અલગ-અલગ ભાગોમાં બનાવવામાં આવ્યું હતું.

યશ, રાકુલ પ્રીત સિંઘ

નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ માત્ર અદ્ભુત વિઝ્યુઅલ ઇફેક્ટ્સને કારણે જ ચર્ચામાં નથી. ફિલ્મમાં જોવા મળતાં વિશાળ સેટ્સ અને ભવ્ય લોકેશન્સ પાછળ કલાકારો અને ટેક્નિશ્યનોની એક મોટી ટીમે મહિનાઓ સુધી મહેનત કરી છે અને સારો એવો ખર્ચ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના આ ભવ્ય નિર્માણમાં રાવણનું સિંહાસન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સિંહાસન તૈયાર કરવામાં આશરે એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એને બનાવવામાં ૪ મહિનાનો સમય લાગ્યો હતો. આ સિંહાસનને માટીના આધાર પર ફાઇબરથી તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એના પર ૨૪ કૅરૅટ સોનાનું પતરું ચડાવીને એને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શૂર્પણખાનો રથ બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો અને એના પર આશરે દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 

‘રામાયણ’માં જોવા મળનારા વિશાળ પુષ્પક વિમાનનું કામ પણ એટલું જ પડકારજનક હતું. એનો વ્યાસ ૫૦ ફુટ હતો. આટલું મોટું વિમાન સ્ટુડિયોની અંદર એકસાથે તૈયાર કરવું શક્ય ન હોવાથી એને ચાર અલગ-અલગ ભાગોમાં બનાવવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ કરવામાં ૪૦થી ૫૦ દિવસ લાગ્યા હતા. આ વિમાનનો વિચાર નિતેશ તિવારીએ ૬ વર્ષ પહેલાં ડેવલપ કર્યો હતો.

ફિલ્મના આર્ટ-ડિરેક્ટરે માહિતી આપી હતી કે ફિલ્મ માટે ૧૫૦થી વધુ સેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ફિલ્મના વિશાળ સેટ્સ તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડી હતી. મળતી માહિતી પ્રમાણે લંકાનો સેટ તૈયાર કરતી વખતે એક જ સમયે આશરે ૫૦૦થી ૬૦૦ કામદારો કાર્યરત હતા. ફિલ્મનાં કેટલાંક મોટાં સમૂહદૃશ્યોમાં તો ૧૦૦૦ જેટલા ડાન્સર્સ અને જુનિયર કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં કલાકારો અને કસબીઓ સાથે કામ કરાવવું એક મોટો પડકાર હતો.

ramayan nitesh tiwari rakul preet singh raavan bollywood buzz bollywood news bollywood gossips bollywood