28 March, 2026 08:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન જયંતીએ જોવા મળશે રામાયણની ઝલક
ડિરેક્ટર નીતેશ તિવારીની ‘રામાયણ’ બે ભાગમાં બની રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ એની બહુ ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ સોશ્યલ મીડિયા પર જાહેરાત કરીને ‘રામાયણ’ સાથે જોડાયેલું મોટું અપડેટ શૅર કર્યું છે.
નમિત મલ્હોત્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘શુભ રામનવમી. આ એક એવી વાર્તા છે જે આપણા સૌની છે. અમે જે પણ પગલાં લઈ રહ્યા છીએ એ સંપૂર્ણ જવાબદારી, શ્રદ્ધા અને સમર્પણ સાથે લઈ રહ્યા છીએ જેથી આપણી પોતાની રામાયણને એની સાચી ભાવના અને ભવ્યતા સાથે ઈમાનદારીથી જીવંત કરી શકાય. અમે ‘રામ’ની ઝલક બીજી એપ્રિલે, હનુમાન જયંતીના શુભ અવસર પર શૅર કરવા માટે ઉત્સુક છીએ. ઘણાં વર્ષોની મહેનતને અમે એક ભવ્ય વર્લ્ડ-રિવીલ દ્વારા ફૅન્સ સાથે શૅર કરીશું અને આ ખાસ પળને દુનિયાભરમાં ઊજવીશું. આપના પ્રેમ, વિશ્વાસ અને ધીરજ માટે આભાર.’
આ ફિલ્મની કાસ્ટ ખૂબ જ દમદાર છે. એમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં અને સાઈ પલ્લવી સીતામાતાના પાત્રમાં નજર આવશે. યશ રાવણ તરીકે દેખાશે, સની દેઓલ હનુમાનનું શક્તિશાળી પાત્ર ભજવશે અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં હશે.