22 February, 2026 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શત્રુઘ્ન સિન્હા
શત્રુઘ્ન સિન્હાને તેમના પર્સનાલિટી રાઇટ્સ મામલે બૉમ્બે હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શત્રુઘ્નનો પ્રખ્યાત ડાયલૉગ ‘ખામોશ’ દાયકાઓ બાદ પણ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ ડાયલૉગ ખાસ કરીને શત્રુઘ્ન સિંહાની વ્યક્તિગત ઓળખ સાથે જ જોડાયેલો છે અને એના અનધિકૃત વપરાશ પર રોક લગાવવામાં આવે.
કોર્ટના નિર્ણય અનુસાર શત્રુઘ્નની મંજૂરી વગર તેમનાં નામ, ફોટો, અવાજ અથવા અન્ય વ્યક્તિગત તત્ત્વોનો ઉપયોગ કરીને ઑનલાઇન કન્ટેન્ટ બનાવવું હવે માન્ય નહીં ગણાય. અદાલતે નોંધ્યું કે ફિલ્મમાં તેમણે પોતાના અનોખા અંદાજમાં બોલેલો આ ડાયલૉગ તેમના વ્યક્તિત્વની વિશેષ ઓળખ બની ગયો છે અને એને ઍક્ટરના વ્યક્તિત્વથી અલગ કરી શકાય તેમ નથી.
શત્રુઘ્ન સિન્હાએ તાજેતરમાં ‘ખામોશ’ ડાયલૉગના અયોગ્ય વપરાશ બદલ અદાલતમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં જસ્ટિસ શર્મિલા દેશમુખે તમામ વેબસાઇટ્સ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આવું કન્ટેન્ટ દૂર કરવાની સૂચના આપી હતી. આ સાથે જ ભવિષ્યમાં પણ ઍક્ટરની મંજૂરી વિના આવા ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.