08 May, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનાથ બાળકીઓના શિક્ષણની જવાબદારી અને લેખિતમાં માફી
નોરા ફતેહીને કન્નડા ફિલ્મ ‘KD : ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચુનર તેરી’માં તેના અશ્લીલ પ્રદર્શનના મામલે સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ મામલે નોરા ગઈ કાલે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થઈ હતી. નોરાએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મારો ઇરાદો કોઈની લાગણી દૂભવવાનો નહોતો પણ મને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવી હતી. નોરાએ પછી આ મામલે માફી માગી લીધી હતી.
આયોગ સમક્ષ હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં નોરાએ જણાવ્યું હતું કે મેં લેખિત માફીનામું આપ્યું છે અને હું કલાકાર તરીકે જવાબદારીનું મહત્ત્વ સમજું છું. પોતાનો મુદ્દો રજૂ કરતાં નોરાએ કહ્યું હતું કે ‘હા, હું આયોગ સમક્ષ હાજર થઈ હતી અને મેં માફી માગી લીધી છે. આ માત્ર એવી પરિસ્થિતિ હતી જેમાં મને મૂકવામાં આવી હતી. કોઈની લાગણી દૂભવવાનો મારો કોઈ ઇરાદો નહોતો, પરંતુ કલાકાર તરીકે મારી જવાબદારી છે. મેં ચોક્કસપણે માફી માગી લીધી છે અને બધું લેખિત આપ્યું છે. સુધારાત્મક પગલા તરીકે મેં અનાથ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.’
ગઈ કાલે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ઑફિસમાં હાજર થયા પછી નોરા ફતેહીએ મીડિયા સમક્ષ હાર્ટની સાઇન દર્શાવી હતી.